રાજકોટમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી બાળકી લિફ્ટ નીચે દબાઈ, ડોક્ટરે મૃત જાહેર કરી
રાજકોટ, 27 જૂન 2024, શહેરમાં TRP ગેમઝોનની દુર્ઘટના હજી ભુલાઈ નથી ત્યાં વધુ એક દુર્ઘટના બનવા પામી છે. ત્રણ વર્ષની બાળકી લિફ્ટ નીચે ફસાઈ જવાથી મૃત્યુ પામી છે. શહેરના પંચાયત ચોક નજીક શહેરના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લિફ્ટ નીચે ફસાઈ જવાથી બાળકીનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે.
લિફ્ટ નીચે ચગદાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે છેલ્લા 5 મહિનાથી એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા અને ચોકીદારી કરતાં નેપાળી પરિવારની 3 વર્ષની દીકરી પાર્કિંગમાં રમતી હતી. ત્યારે લિફટનો દરવાજો કોઇ કારણોસર ખૂલી ગયો હતો. બાળકી રમતાં રમતાં લિફ્ટ પાસે ગઈ હતી અને દરવાજો ખોલી નાંખ્યો હતો. જેના કારણે બાળકી લિફટની નીચેની ખાલી જગ્યામાં પટકાઈ હતી અને આ પછી ઓચિંતી લિફટ નીચે આવી જતાં તે લિફ્ટ નીચે ચગદાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી અને ચીસ સાંભળી લોકો દોડી આવ્યા હતાં. બાળકીના માતા પિતા પણ પહોંચ્યા હતાં. ત્યાર બાદ લિફટના એન્જિનિયરને બોલાવી લિફ્ટ ખોલાવવામાં આવતાં બાળકીને બહાર કાઢવામાં આવી હતી.
મૃતક બાળકી માતા-પિતાની એકની એક દીકરી હતી
ત્યાર બાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.આ બનાવ અંગેની જાણ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફને થતાં તેમણે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક બાળકી માતા-પિતાની એકની એક દીકરી હતી. આ દંપતી અહી છેલ્લા 5 મહિનાથી રહે છે અને ચોકીદારી કરતા હોવાનું સામે આવ્યું છે. આજે કાળ આવ્યો હોય એમ 3 વર્ષની માસૂમ બાળકીનું આકસ્મિક મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ પણ વાંચોઃરાજકોટમાં પાથરણાંવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટીસઃ MLA મેવાણીએ ધરણાની ચીમકી ઉચ્ચારી