વડોદરા: યુનાઈટેડ વેના ગરબામાં ‘દમ મારો દમ’, વીડિયો વાઇરલ
વડોદરાના જાણીતા ગરબા ગ્રાઉન્ડ યુનાઈટેડ વેમાં ચાલુ નવરાત્રિ દરમિયાન ગરબા રમતા બિન્દાસ પણે ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીનો વિડીયો વાયરલ થયો છે. આટલું જ નહી પણ તેની પાછળ રહેલા એક યુવકના હાથમાં પણ ઈ-સિગારેટ પણ જોવા મળી રહી છે.
નવરાત્રિને બદનામ કરવાનું કાવતરું?
હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહેલા આ વીડિયોએ વડોદરા શહેર સહીત સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિના પવિત્ર પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વિદીયોએ વડોદરા શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી દીધી છે. તેમજ ગરબાને બદનામ કરવાનું કાવતરું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
SHE ટીમ મેદાનમાં
બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. હવેથી આવાં તત્ત્વો સામે શી ટીમ પણ કાર્યવાહી કરવાની છે.
આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય
કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્યનો વીડિયો ચર્ચાનો વિષય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય, એનો વિરોધ કરી આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.
આવા તત્ત્વો પર કાર્યવાહી થશે
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે આવો વીડિયો વાઇરલ થયો હોય તો ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.
જ્યારે યુનાઇટેડ વેના આયોજક હેમંતશાહે જણાવ્યું હતું કે અમે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢે. આવા લોકો મળશે તો કાર્યવાહી થશે.
પહેલા નોરતાથી યુનાઈટેડ વેમાં વિવાદ
પ્રથમ નવરાત્રિએ જ ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગતા પથ્થર પથ્થરની બૂમો પડી હતી. જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. સાથે પીવાના પાણીની બોટલો લેવા માટે પણ રીતસરની પડાપડી સર્જાઇ હતી.
યુનાઈટેડ વે સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ
વડોદરા શહેરના વકીલ વિરાટસિંહ નટવરસિંહ વાઘેલાએ એમ.એમ.ફાર્મમાં યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં કાંકરા અને અસુવિધાઓને અંગે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
શું કહ્યું અતુલ પુરોહિતે ?
સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું. બીજી તરફ માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.