સિદ્ધપુરમાં 10 દિવસથી યુવતી ગુમ, 12 મે એ હતા યુવતીના લગ્ન, જાણો સમગ્ર મામલો !
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પાણીની પાઈપલાઈનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યા બાદ 10 દિવસથી ગુમ થયેલી યુવતીની હત્યાની આશંકા સાથે ગુરુવારે લોકોએ રેલી કાઢી હતી. આ દરમિયાન વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. આ કેસમાં બુધવારે પાણીની ટાંકીમાંથી એક યુવતીનો દુપટ્ટો મળી આવ્યો હતો. 7 મેના રોજ યુવતી સિદ્ધપુર શહેરની ગુરુ નાનક સોસાયટીમાં મંદિરે દર્શન કરવાનું કહીને ઘરેથી નીકળી હતી. 12 મેના રોજ તેના લગ્ન અમદાવાદના ઈન્દિરા નગરમાં રહેતા લોકેશ સાથે થવાના હતા. પરિવારના સભ્યો દ્વારા લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. યુગલે લગ્ન પહેલા પ્રી-વેડિંગ પ્રોગ્રામ પણ કર્યો હતો.
આ પણ વાંચો : PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ઘાટન, 1280 સાંસદો એકસાથે બેસી શકશે
દરમિયાન પોલીસે યુવતીના પરિવારજનોને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેમાં યુવતી પાણીની ટાંકી તરફ જતી જોવા મળી હતી. પાણીની પાઈપલાઈનમાં બ્લોકેજના કારણે પાણી પુરવઠો બંધ થયા બાદ હાથ ધરાયેલા ખોદકામમાં માનવ અવશેષો મળી આવ્યા હતા. જોકે, ઘટનાની તપાસ કરી રહેલા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, માનવ અવશેષોના DNA રિપોર્ટ બાદ જ સાચી હકીકત જાણી શકાશે. આ કેસમાં પોલીસે ગુરુવારે ગુમ થયેલી યુવતીની માતાના બ્લડ સેમ્પલ મેળવીને ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા હતા.ગુરુવારે સિદ્ધપુરના લોકોએ યુવતીની સોસાયટીમાંથી રેલી કાઢી સિદ્ધપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. 48 કલાકમાં ઘટનાનું સત્ય બહાર નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપી હતી. ગુરુવારે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વેચ્છાએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. સિદ્ધપુરમાં બનેલી ઘટનાને પગલે ગુમ થયેલી યુવતીના પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. હત્યાના આશંકાથી ગુમ થયેલી યુવતીની નાની બહેન અને તેના ભાઈએ પોલીસ સમક્ષ તપાસ ઝડપી કરવા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક સજાની માંગ કરી છે.