ગીર સોમનાથ : વેરાવળમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખસો ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી પ્રથમ વખત 57.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના કુલ રૂ. 6.15 લાખના મુદામાલ સાથે બે યુવાનોને SOGની ટીમે બાતમીના આધારે ગતરાત્રિના ઝડપી પાડ્યા છે. આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મુંબઈના શખ્સ પાસેથી અત્રે વેંચાણ કરવા અર્થે લઈ આવવામાં આવેલ હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. ત્યારે આ ડ્રગ્સના રેકેટમાં અનેક લોકોની સંડોવણી જણાતા વધુ તપાસ અર્થે પોલીસની એક ટીમને મુંબઈ રવાના કરવામાં આવી છે. જ્યારે પકડાયેલા બંન્ને શખ્સો સામે ગુનો નોંધી પોલીસે રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.
કેવી રીતે બંને શખસો પકડાયા ?
આ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ગતરાત્રીના વેરાવળ બાયપાસ ઉપર આવેલ એક હોટલે અમુક યુવાનો ડ્રગ્સનું વેંચાણ કરવા પહોંચી રહ્યા હોવાની SOGને બાતમી મળી હતી. જેના આધારે SOG અને LCBની ટીમ રાત્રિના જ વેરાવળ બાયપાસ ઉપર આવેલ હોટલ મહાકાળી પાસે વોચમાં હતા. ત્યારે એક્ટીવામાં આવી રહેલ શબ્બીર ઈકબાલ જમાદાર (ઉ.વ.40) રહે. અજમેરી સોસાયટી અને ઉબેદ ઈરફાન સોરઠીયા (ઉં.વ.26) રહે.સંજરી પાર્ક, અક્ષા મસ્જીદની બાજુમાં વાળા શંકાસ્પદ જણાયા હતા. જેથી બંન્નેને રોકાવીને તપાસ કરતા તેઓના કબ્જામાંથી MD (મેફેડ્રોન) ડ્રગ્સનો જથ્થો અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળી આવ્યો હતો. આ એમ.ડી.ડ્રગ્સનો જથ્થાનું વજન 57.350 ગ્રામ જેટલું થયેલ જેની બજાર કિંમત રૂ.5,73,500 જેટલી થાય છે. આ અંગે પ્રભાસપાટણ પોલીસમાં જપ્ત મુદામાલ સાથે બંન્ને યુવાનો સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.
આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા
બંન્ને આરોપીઓ ઉબેદ અને શબ્બીરની પ્રાથમિક પુછપરછમાં મુંબઈ ખાતે રહેતા અબુબકર અમીર હુસેનશા પાસેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યા હતા. બે દિવસ પુર્વે જ ટ્રેન મારફત બંન્ને વેરાવળ આવ્યા હતા. અહીં ડ્રગ્સનું વેંચાણ કરવા ગતરાત્રિના બાયપાસ ઉપર ફરી રહ્યાં હતા, ત્યારે જ બાતમીના આધારે પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. આ બંન્નેને રીમાન્ડ ઉપર લેવા માટે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા અન્ય કેટલા લોકો સામેલ છે, તેની હક્કીત બહાર લાવવા પોલીસની એક ટીમને મુંબઈ રવાના કરાઈ છે.