કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગીર સોમનાથ : ઉનાના ભડકાઉ ભાષણ બાદની હિંસામાં 50થી વધુ શખસો ડિટેઈન, જાણો શું હતી ઘટના

  • રામનવમીના પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • શોભાયાત્રામાં 30 હજારથી વધુ રામભક્તો ઉમટી પડ્યા
  • રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ  તંગદિલીનો માહોલ સર્જાયો

ઉના શહેરમાં બે દિવસ પહેલા ભડકાઉ ભાષણ બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિ ડામવા માટે 50થી વધુ લોકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉના શહેરમાં રામનવમીના પર્વે ભવ્ય શોભાયાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં 30 હજારથી વધુ રામભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’ તેવું વિવાદીત ભાષણ કર્યું હતું. ભડકાઉ ભાષણ બાદ ઉનામા તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

મુસ્લિમ સમાજમાં ઘેરા પડઘા પડ્યા

ગત રાત્રે કુંભારવાડા અને ભોયવાડા વિસ્તારમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન તલવાર અને કુહાડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીના વિવાદીત ભાષણના પડઘા મુસ્લીમ સમાજમાં પડ્યા હતા અને ગત તા.31 માર્ચના રોજ મુસ્લીમ સમાજના યુવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો અને વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરતા તાત્કાલીક પોલીસ દોડી ગઇ હતી. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી.

બંને સમાજના આગેવાનો એકઠાં થયા હતા

આ વાત સમગ્ર ઉના શહેરમાં ફરી વળતા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી અને લોકો નગરપાલીકા ભવને ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસે પણ માહોલને પારખી વાતાવરણ વધુ તંગ ન બને તે માટે તાત્કાલીક શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. બાદમાં ગીરસોમનાથ એસપી દ્વારા બન્ને સમાજના પાંચ-પાંચ આગેવાનોને ઉના સર્કિટ હાઉસ ખાતે બોલાવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય કે.સી. રાઠોડ, રાજુ ડાભી, મહેશ બારૈયા, સંજય બાંભણીયા, રામજી પરમાર તેમજ નિપુલ શાહ ગયા હતા. જ્યારે સામા પક્ષે પણ મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતા.

 

શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

જેના અનુસંધાને આજરોજ ઉના પોલીસ દ્વારા નગરપાલીકા ભવનના સભાખંડમાં ગીરસોમનાથ જિલ્લા એસપી, ડીવાયએસપીની હાજરીમાં એક શાંતિ સમીતીની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ સહિત વિવિધ સંગઠનના આગેવાનો, વેપારી આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે સામાપક્ષે પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની મિટિંગમાં એક બીજા સમાજના લોકોએ જુની વાત ભુલી એકમેકની સાથે તહેવારોની ઉજવણી કરવી તેવી વાતો થતી હતી. અચાનક જ મિટિંગમાં વિવાદ સર્જાતા વાતાવરણ થોડીકવાર તંગ બની ગયું હતું.
આખરે શહેરમાં તંગદિલી વાતાવરણ ઉભુ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ઘટના બાદ જૂનાગઢ રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, એસ.પી. શ્રીપાલ શેષ્મા સહિતનો કાફલો પહોંચી ગયો હતો. તેમજ પોલીસ દ્વારા આખીરાત કોમ્બીંગ કરવામાં આવેલ હતું.

 

Back to top button