કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ગીર સોમનાથ : વેરાવળના નામાંકિત તબીબનો પોતાની જ ઓફિસમાં આપઘાત, રાજકીય નેતાઓથી કંટાળી પગલું ભર્યું !

Text To Speech

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાણીતા તબીબ ડો.અતુલ ચગએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તબીબે પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તેમણે તપાસ કરતા રાજકીય નેતાના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાના ઉલ્લેખ સાથેની સ્યુસાઈડ નોટ તેમના પાસેથી મળી આવી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ તબીબને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ક્યાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ?

મળતી માહિતી મુજબ, વેરાવળના બસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડો.અતુલ ચગ (ઉ.વ.62)એ આજે બપોરના સમયે પોતાની જ હોસ્પિટલની અંદર ચેમ્બરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. તેમણે અતુલ ચગના મૃતદેહને કબજે લઈ પીએમ માટે મોકલ્યો હતો. દરમિયાન પોલીસે તપાસ કરતા તેમના પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેમણે નારણભાઇ અને રાજેશભાઈ ચુડાસમાને લીધે આપઘાત કરું છું તેવો ઉલ્લેખ કરેલો હતો.

પરિજનો અને સ્થાનિકો એકઠાં થયા

આ ઘટનાની જાણ થતાં ડો.અતુલ ચગના પરિજનો અને તેમના નજીકના લોકો તથા સ્થાનિકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સમગ્ર ગીર સોમનાથ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાના કામને લઈ સારી નામના ધરાવતા હતા જેના કારણે અનેક લોકો સાથે તેઓને પરિચય હતો.

કોણ હતા ડો.અતુલ ચગ ?

વેરાવળમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર ડો.અતુલ ચગ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ તબીબ હતા. તેઓ હૃદય, ફેફસા જેવા રોગમાં ખૂબ જ નિષ્ણાંત હતા. વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેઓની ખુબ લોકચાહના હતી. તેઓએ કોરોના સમયે અનેક લોકોને મદદ કરી હતી. ડો.ચગ પોતે એકલા વેરાવળ રહેતા હતા. એક અભ્યાસુ અને જાણકાર તબીબ હતા. નામાંકીય તબીબ હોવાને કારણે રાજકીય અને સામાજિક વ્યક્તિઓ સાથે ઘરોબો હતો. આ ઉપરાંત તેમનું શેર બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ હતું તેમજ અનેક લોકો સાથે ધંધાકીય રીતે પણ જોડાયેલા હતા. આર્થિક રીતે ખૂૂબ જ સુખી સપન્ન હતા.

Back to top button