ફિલ્લમની ચિલમ ઠરી ગઈ, સલિલ દલાલની વિદાય


- ગયા અઠવાડિયે તેમણે ‘ફિલમની ચિલમ’ કૉલમ લખી ત્યારે તેમાં વચ્ચે નોંધ મૂકી હતી કે, આ મારી છેલ્લી કૉલમ હશે, હવે હું લખી નહીં શકું એવું લાગે છે. અને ગુજરાતના હજારો વાચકોના કમનસીબે તેમના શબ્દો સાચા પડ્યા.
જાણીતા ફિલ્મી અને ટેલીવિઝન કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે આખરી શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. સલિલ દલાલનું મૂળ નામ હસમુખ ઠક્કર હતું. તેઓ મધ્ય ગુજરાતના વતની હતા. બહોળો વાચક વર્ગ ધરાવતા આ લેખકે ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઇને 2008માં કેનેડા જઇને વસવાટ કર્યો. તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મી જગતને લગતી કોલમ ‘ફિલમની ચિલમ’ લખતા હતા. ત્યારબાદ પણ તેઓ આ કૉલમ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા.
મહત્ત્વની વાત એ છે કે, ગયા અઠવાડિયે તેમણે આ કૉલમ લખી ત્યારે તેમાં વચ્ચે નોંધ મૂકી હતી કે, આ મારી છેલ્લી કૉલમ હશે, હવે હું લખી નહીં શકું એવું લાગે છે. અને ગુજરાતના હજારો વાચકોના કમનસીબે તેમના શબ્દો સાચા પડ્યા.
તેમણે ફિલ્મ જગતના પુસ્તકો પ્રગટ કરવા ઉપરાંત કેનેડા જઇને પોતાનું નવું જીવન કંડાર્યું હતું. તેમણે છેલ્લા અઠવાડિયામાં લખેલી કોલમમાં જણાવ્યું હતું કે કદાચ આ મારી છેલ્લી કોલમ હશે, હું હવે નહીં લખી શકું. ફિલ્મી કલાકારોના રસપ્રદ કિસ્સાથી સલિલ દલાલ વાચકોમાં જાણીતા બન્યા હતા. તેમનો હળવી શૈલીમાં પ્રસ્તુત કરેલો વાર્તાલાપ તેમના સાહસ, લગન અને વિશાળ દ્રષ્ટિકોણનું દર્શન કરાવે છે.
સલિલ દલાલના જાણીતાં પુસ્તકો
સલિલ દલાલે ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’, ‘અધુરી કથાઓ… ઇન્ટરનેટની અટારીએ!’, ‘ગાતા રહે મેરા દિલ’ જેવી જાણીતી નવલકથાઓ લખી હતી. ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’નું પુસ્તકમાં અશોકકુમાર, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, કિશોરકુમાર, સંજીવકુમાર એમ પાંચ ફિલ્મના કલાકારોના જીવન, ફિલ્મી કારકિર્દી, સફળતાઓનું રહસ્યનું અનોખી શૈલીમાં આલેખન કર્યું છે. હિન્દી ફિલ્મોના અમર ગીતકારો, શાયરો વિશે ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક તૈયાર કર્યું હતું. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.