કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગીર સોમનાથ : ઉનામાં પૂર્વ કોન્સ્ટેબલની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ

ઉનાના સીમાસી ગામે રૂપેણ નદીના પુલ પર ગઈકાલે સવારે એક ટ્રકચાલક અને સામેથી આવતા બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ અકસ્માતનો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ મૃતક યુવકના પરિજનોએ હત્યાનો આરોપ લગાવતા પોલીસે તપાસ કરતા ટ્રક ચાલકે યુવાન પર ટ્રક ચડાવી તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ બાદ ટ્રક ઘટનાસ્થળે મૂકીને આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવ પાછળ 8 માસ પહેલાં થયેલી જૂથ અથડામણના સમાધાન વખતે થયેલી હત્યા કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, મૃતક યુવાને વર્ષો પહેલાં પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાં જોડાયા બાદ રાજીનામું આપ્યાનું પણ જાણવા મળ્યું છે.

યુવક વાડીએથી પરત આવતો હતો

મળતી માહિતી મુજબ, ઉનાનો રફિક હુસેન વાકોટ નામનો યુવાન ગઈકાલે સવારે 9 વાગ્યે પોતાની ડોળાસા તરફ આવેલી સીમમાં વાડીએ ગયો હતો અને 11 વાગ્યે પરત ફરતો હતો. તે સીમાસી ગામ નજીક રૂપેણ નદીના પુલ પર પહોંચ્યો એ વખતે સામેથી આવતી જીજે 11 ઝેડ 8369 નંબરની ટ્રકના ચાલકે તેની બાઇક પર ટ્રક ચડાવી દીધી હતી.

ઘટના મૃતકના પિતરાઈએ નજર સમક્ષ જોઈ

બનાવ વખતે રફિકનો કાકાનો દીકરો નજીર આદમભાઇ વાકોટ પાછળ પોતાની બાઇક લઇને આવતો હોઇ બનાવની ખબર પડી હતી. આથી તેણે રાડારાડ કરીને સીમાસી ગામના સમીરભાઇ ગનીભાઇ વાકોટ સહિતના લોકોને બોલાવ્યા હતા અને રફિકને 108 માં ઉના સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રફિકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. તેઓએ ઘટના અંગે પુછતાછ કરતા નજીરે ટ્રક ચડાવનાર એઝાઝ અબ્બાસભાઇ જુણેજા અને તેની બાજુમાં બેઠેલા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

અગાઉ ટ્રક ચાલકના પિતાની થઈ હતી હત્યા

ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ એઝાઝના પિતા અબ્બાસભાઇની હત્યા થઇ હતી એ ગુનામાં મૃતક રફિકના પિતા હુસેનભાઇ હાલ રાજકોટ જેલમાં છે. એ બનાવમાં 22 લોકો સામે ગુનો નોંધાયો હતો અને હાલ આરોપીઓ જેલહવાલે છે. એ ગુનાના મનદુ:ખમાં આ બનાવ બન્યો છે.

રફીકે જીપીએસસીની તૈયારી માટે રાજીનામું આપ્યું હતું

અત્રે નોંધનીય છે કે, મૃતક રફિક અગાઉ 2012માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સૂત્રાપાડા પોલીસ મથકમાં 1 વર્ષ ફરજ બજાવી ચૂક્યો છે. પણ બાદમાં જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે તેણે રાજીનામું આપ્યું હતું. આથી તેનું શરીર કસાયેલું અને બાંધો મજબૂત હતો.

Back to top button