ગીર સોમનાથ : દૂષ્કર્મ કેસમાં વેરાવળ AAP નેતાની જામીન અરજી ફગાવાઈ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મોડલ બનવા આવેલી યુવતીને મધલાળ આપીને તેના ઉપર દુષ્કર્મ આચરવાના આરોપસર પકડાયેલા ફિલ્મ પ્રોડ્યુસર અને આપના નેતા ભગુ વાળાએ જામીન ઉપર છોડવા કરેલી અરજી સેશન્સ જજ કે.જે. દરજીએ ફગાવી દઈ રદ કરી હતી.
શું છે આખો કેસ ?
મળતી માહિતી મુજબ, મોડલ બનવા માટે વેરાવળ આવેલી યુવતી પર દુષ્કર્મ આચરવાના આરોપસર ફિલ્મ પ્રોડ્યુસર અને તાજેતરમાં આપમાં જોડાયેલા વેરાવળના ભગુ કાળાભાઈ વાળાની પોલીસે ધરપકડ કરી હતી. જેલમાં રહેલા ભગુ વાળાએ જામીન ઉપર છુટવા માટે અત્રેની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળાએ દલીલો કરેલી કે, એવીડન્સ એકટ મુજબ પણ ફરિયાદીની સહમતી હોવાનું અનુમાન ન કરી શકાય અને આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો તપાસના છેડા સુધી પહોંચી નહીં શકાય. વિશેષમાં, આરોપીને જામીન મુકત કરાય તો પોતાની રાજકીય અને સામાજીક વગનો ઉપયોગ કરી પંચ પુરાવાને લોભ, લાલચ, પ્રલોભન કે ધાક-ધમકી આપી ફોડવાં પ્રયત્ન કરે તેવી શક્યતાઓ છે. તેમજ સમાજમાં નિઃસહાય અબળાઓનું શોષણ કરતા હોય તેવા લોકોમાં પણ દાખલો બેસે તે માટે પણ આરોપીના જામીન ફગાવવા જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળીને સેશન્સ જજ કે.જે.દરજીએ સાંભળી આરોપી એવા આપ પાર્ટીના નેતા ભગુ વાળાની જામીન પર મુક્ત થવાની અરજી ના-મંજુર કરી હતી.