અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગિફ્ટ સિટીને ફળી દારુબંધીની છૂટઃ ટૂંકાગાળામાં થઈ ગયા અધધ સોદા

Text To Speech

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂની છૂટ બાદ ફક્ત પાંચ જ દિવસમાં 500 કરોડ રૂપિયાના સોદા થયા છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીઓ અને બેન્કિંગ સેક્ટર્સની કચેરીઓના કાયમી કર્મચારીઓ તથા તેમના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આધીન ગિફ્ટ સિટીમાં જ વાઈન અને ડાઈનની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ છુટને કારણે લાંબા સમયથી અટકી ગયેલા કેટલીક પ્રોપર્ટીના કામકાજમાં અચાનક જ તેજી જોવા મળી છે.

લાંબા સમયથી અટવાયેલા સોદા હવે શરૂ થયા
ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગિફ્ટ સિટીમાં છેલ્લા 11 વર્ષમાં એટલા સોદા નથી થયા જેટલા છેલ્લા પાંચ દિવસમાં થયા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ બાદ 500 કરોડ રૂપિયાના કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના 300 જેટલા યુનિટના સોદા થયા છે અને પ્રોપર્ટી માટેની પૂછપરછમાં 500 ટકાનો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગિફટ સિટીમાં કાર્યરત અને રોકાણ કરવા ઈચ્છતી કેટલીક કંપનીઓની રજૂઆતો અંગે બે વર્ષથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરંતુ ગત સપ્તાહે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરી છે. જેના કારણે લાંબા સમયથી અટવાયેલા સોદા હવે શરૂ થયા છે.

ફેઝ-2માં ગિફ્ટ સિટીના વિસ્તારમાં વધારો કરવામાં આવશે
એક અંદાજ પ્રમાણે ગિફ્ટ સિટી વિસ્તારમાં 300 જેટલા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સોદા થયા છે.છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધારે કાયદાકીય, ટેક્સેશનમાં સુધારા અને વૈશ્વિક માર્કેટિંગમાં ભારે તેજી આવી છે. જેને લઈને ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં 18 વિવિધ પ્રકારના ટાવરમાં 470થી વધારે કંપનીઓ કાર્યરત છે. જેમાં ગ્લોબલ બેન્કિંગ, ફન્ડ્સ, આઈટી અને ફિનટેક, કોર્પોરેટ, એક્સચેન્જીસ અને ટ્રેડિંગ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. હાલમાં 30 ટાવરના બિલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું છે. હવે ફેઝ-2માં ગિફ્ટ સિટીના વિસ્તારમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશમાં મકાન ખરીદવા માટે અમદાવાદ સૌથી સસ્તુ અને મુંબઈ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેર

Back to top button