ગુલામ નબી આઝાદે લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત કરી, અનંતનાગ-રાજૌરી સીટથી ઉમેદવાર બનશે
- JKAP અને DPAPએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂર્વ-ચૂંટણી ગઠબંધન માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચર્ચા કરવા તૈયાર છે
જમ્મુ-કાશ્મીર, 2 એપ્રિલ: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ આગામી લોકસભા ચૂંટણી 2024 અનંતનાગ-રાજૌરી બેઠક પરથી લડશે. તેમની પાર્ટી DPAPએ મંગળવારે (2 એપ્રિલ) આ જાણકારી આપી છે. ગુલામ નબી આઝાદે 2022માં કોંગ્રેસ છોડી દીધી હતી અને પાર્ટી સાથેની તેમની પાંચ દાયકા લાંબી સફરનો અંત લાવ્યો હતો. કોંગ્રેસ છોડ્યા પછી, આઝાદે પોતાનું રાજકીય સંગઠન બનાવ્યું હતું, જેનું નામ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) રાખવામાં આવ્યું હતું.
આઝાદ માટે પહેલી લોકસભા ચૂંટણી
DPAP કોર કમિટીની આજે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ DPAP નેતા તાજ મોહિઉદ્દીને જણાવ્યું કે (પાર્ટી પ્રમુખ) ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડશે. 2014માં ઉધમપુર બેઠક પરથી બીજેપી નેતા જીતેન્દ્ર સિંહ સામે હાર્યા બાદ આઝાદ માટે આ પહેલી લોકસભા ચૂંટણી હશે.
જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટી (JKAP) અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) એ મંગળવારે કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂર્વ-ચૂંટણી ગઠબંધન માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચર્ચા કરવા તૈયાર છે. જો કે, અલ્તાફ બુખારીની આગેવાની હેઠળની JKAP એ વૈચારિક મતભેદોને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે કોઈપણ જોડાણને નકારી કાઢ્યું છે. અલ્તાફ બુખારીની પોતાની પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા અંગે મોહિઉદ્દીને કહ્યું કે, “આ મોરચે કોઈ પ્રગતિ થઈ નથી. અમારી પાસે સમય ઓછો છે અને વાટાઘાટોમાં વધુ પ્રગતિ થઈ નથી. તેથી વધુ સારું રહેશે કે તેઓ તેમનું કામ કરે અને અમે અમારું કામ કરીએ.”
ઉમેદવારોનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે
મોહિઉદ્દીને કહ્યું કે કાશ્મીરની અન્ય લોકસભા સીટો માટેના ઉમેદવારો યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. DPAPના મુખ્ય પ્રવક્તા સલમાન નિઝામીએ જણાવ્યું હતું કે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથેની ચર્ચા હજુ પ્રારંભિક તબક્કામાં છે. “આખરી નિર્ણય આગામી દિવસોમાં DPAP પ્રમુખ ગુલામ નબી આઝાદ દ્વારા લેવામાં આવશે.”
અનંતનાગ-રાજૌરી બેઠક પર 7મી મેના રોજ ચૂંટણી
અનંતનાગ-રાજૌરી સંસદીય બેઠક પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ઉધમપુર સીટ પર 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે.
આ પણ વાંચો: રામાયણ સિરિયલના ‘રામ’ સામે સપાએ ઉતાર્યા અતુલ પ્રધાન, શું અરુણ ગોવિલને આપશે ટક્કર?