આ શિયાળામાં ઘી ખાવું પડશે મોંઘુ, સાબર ડેરીએ પ્રતિકિલોએ રૂ.35નો કર્યો ભાવ વધારો
મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક માર પડવા જઇ રહ્યો છે, સાબરડેરીએ અમુલ લુઝ ઘીના ભાવમાં વધારો કર્યો છે. શિયાળામાં ઘી ની માંગ વધારે હોય છે. ત્યારે સાબર ડેરીએ ઘીના ભાવમાં ઝીંકતા સામાન્ય માણસને ઘી ખાવું ખુબ મોંઘુ પડી જશે.
હાલ એક બાદ એક ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. સામાન્ય જનતાને સતત મોંઘવારીનો માર સહન કરવો પડતો હોય છે. ત્યારે આ શિયાળાની સિઝનમાં સામાન્ય માણસોને ઘી ખાવું મોંઘુ પડી જશે તેવા સમાચાર મળી રહ્યા છે. સાબરડેરીએ ઘીના ભાવમાં 35 રૂપિયાનો વધારો ઝીક્યો છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ગણાતા ઘીના ભાવોમાં વધારો કરતાં સામાન્ય માણસને પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
સાબરડેરીએ ઘીમાં ભાવ વધારો કર્યો
સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિકિલોએ 35 રૂપિયાનો વધારો કર્યો છે. સાબરડેરીએ કરેલા ભાવ વધારાની અસર બનાસકાંઠા,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના લોકોને લોકોને થશે. સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં વધારો કરતા 15 કિલોના ડબ્બાના ભાવમાં 525 રુપિયાનો વધારો થયો છે. જેથી લુઝ ઘીની કિંમત 572થી વધીને રૂપિયા 607 થઈ છે. જેથી હવે 9 હજાર 105 રૂપિયામાં 15 કિલો ઘીનો ડબ્બો મળશે.
આજથી ભાવ વધારો લાગુ
સાબરડેરીએ આજથી અમુલ લુઝ ઘીમા આ ભાવ વધારો લાગુ કરી દીધો છે. 3 મહિના બાદ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. મહત્વનું છે કે વર્ષ 2022માં 7 વખત ઘીના ભાવમાં વધારો થયો છે. દિવસેને દિવસે દરેક જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય માણસને જીવન જરૂરિયાતની વસ્તુંમાં કેવી રીતે કાપ મુકવો તે હવે પ્રશ્ન થઇ રહ્યો છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
એક બાદ એક ચીજ વસ્તુઓમાં થઇ રહેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે આ શિયાળાની સિઝનમાં ઘીમાં પણ ભાવ વધારો થતા ગૃહિણોના બજેટ પર વધુ એક ખરાબ અસર થઇ છે. સાબરકાંઠા તેમજ અરવલ્લીની જીવાદોરી સમાન ગણાતી સાબરડેરી ઘીના ભાવમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો :તવાંગ વિવાદ પર ઓવૈસીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર, કહ્યું- “સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે”