‘ચિઠ્ઠી આઈ હે’ થી ફેમસ થયેલા ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન
- ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા
- પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી
મુંબઈ, 26 ફેબ્રુઆરીઃ ગઝલ સમ્રાટ અને ચિઠ્ઠી આયી હૈ થી લોકપ્રિય થયેલા ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. તેમણે અનેક જાણીતી ગઝલોને સ્વર આપ્યો છે. 2006માં તેમને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખાડી નામના ગામમાં રહેતો હતો. તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દિવાન પણ હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા, તેમને ઈસરાજ વગાડવાનોનો ખૂબ જ શોખ હતો. તેમની માતા જીતુબેન ઉધાસને ગીત ગાવાનો ખૂબ શોખ હતો. આ જ કારણ હતું કે પંકજ ઉધાસ અને તેમના બે ભાઈઓનો ઝુકાવ હંમેશા સંગીત તરફ રહ્યો.
તેઓ લાંબા સમયથી બીમાર હતા. તે ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમને 10 દિવસ પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે (મંગળવારે)કરવામાં આવશે. સિંગરના નિધનના સમાચારથી મ્યુઝિક જગતમાં શોકનો માહોલ છવાયો છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Veteran Ghazal singer Pankaj Udhas passes away due to a prolonged illness, confirms his family. pic.twitter.com/4iIwZhsscK
— ANI (@ANI) February 26, 2024
પંકજે ક્યારેય વિચાર્યું ન હતું કે તે સિંગર બનશે અને સંગીતના ફિલ્ડમાં કારકિર્દી બનાવશે. તે દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ રિલીઝ થયું હતું. પંકજને આ ગીત ખૂબ જ ગમ્યું. તેમણે કોઈની મદદ લીધા વગર આ ગીત એ જ લય અને સૂર સાથે તૈયાર કર્યું હતું. આ રીતે તેમની મ્યૂઝિકલ કારકિર્દીની શરૂઆત 6 વર્ષની ઉંમરથી થઈ હતી. તેમના ઘરમાં સંગીતનો માહોલ હતો, તેથી તેઓ પણ સંગીતની દુનિયામાં સરળતાથી પ્રવેશ્યા અને હંમેશા એજ દુનિયામાં ખોવાયેલા રહ્યાં.
આ પણ વાંચોઃ ખોરાક અંગે ભારતીયોનું વલણ બદલાયું, આવા ખાદ્યપદાર્થો પર કરે છે વધુ ખર્ચ