એક મિનિટમાં સામાન્ય સભા પૂર્ણ કરી દેવાઈ : વિકાસ નકશો ન બતાવાતા પાલનપુર પાલિકામાં વિપક્ષે કર્યું વોકાઉટ
- ચીફ ઓફિસરે કહ્યું- બધા લોકોને નકશો બતાવવાનો હોતો નથી
પાલનપુર : પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા આજે વિકાસ નકશાની ચર્ચા વગર જ એક મિનિટમાં સંપન્ન થઈ ગઈ હતી. વિકાસ નકશો બતાવવામાં ન આવતા વિપક્ષી સભ્યોએ વોકાઉટ કર્યો હતો. જેથી શાસકપક્ષે એક જ મિનિટમાં વિકાસ નકશા સહિતના સાત મુદ્દાઓને મંજૂર કરી સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ જાહેર કરી હતી.
પાલનપુર નગર પાલિકાની સાધારણ સભામાં આજે (બુધવારે) વિકાસના મુદ્દાની ચર્ચાઓ થવાની હતી. તેને બદલે વિપક્ષે માત્ર એક મિનિટમાં નકશો નથી બતાવ્યો તેવું કહી વોકાઉટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ વાર નકશો ગાંધીનગરથી પરત ફર્યો હતો અને અનેક ગેરરીતિઓના તેમાં આક્ષેપો પણ થયા હતા. આજે પણ પાલનપુર નગરપાલિકાના નેતા વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વારંવાર નકશો બનાવવામાં આવે છે અને મંજૂરી માટે મોકલવામાં આવે છે. બિલ્ડર લોબીના લાભ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તો બીજી તરફ ચીફ ઓફિસરે કહ્યું હતું કે, સામાન્ય સભામાં નકશો મંજૂર થયો છે તેને ગાંધીનગર ટાઉન પ્લાનિંગ કમિટીનીમાં મોકલવામાંઆવશે. ત્યારબાદ ગેજેટ પ્રસિદ્ધ કરી તેમાં કોઈ વાંધા સૂચનો હોય તો રજૂઆત માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. આ નકશો પ્રિમેચ્યોર સ્ટેજ પર છે તે લોકોને બતાવવાનો હોતો નથી. લોકોને આ નકશો જોવા માટે બે મહિનાનો સમય આપવામાં જ આવતો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર નગરપાલિકામાં જ્યારે જ્યારે પણ સાધારણ સભા મળી છે ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં સાધારણ સભાને પૂર્ણ જાહેર કરી મનસ્વી રીતે વહીવટ કરવામાં આવી રહ્યો હોવાનો વિપક્ષ વારંવાર આક્ષેપો કરે છે. અને તેના કારણે અનેકવાર પાલિકાના વિવાદમાં આવી છે.
આ પણ વાંચો : પતિ,સસરા અને દિયર સામે ફરિયાદ : ડીસામાં યુવતીના સાસરિયાઓએ જબરજસ્તીથી ગર્ભપાત કરાવ્યો