દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં GDP 4.4 ટકા
નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશની અર્થવ્યવસ્થા 4.4 ટકાના દરે વૃદ્ધિ પામી છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 5.4 ટકા હતો. ત્રીજા ક્વાર્ટર માટે જાહેર કરવામાં આવેલ GDPનો આંકડો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર કરતા ઓછો છે. બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે તેની સરખામણીમાં ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી રહી છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં GDP 9.1 ટકા હતો. GDPના આંકડા જાહેર કરતી વખતે, મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં, GDP રૂ. 40.19 લાખ કરોડ સુધી પહોંચી હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 38.51 લાખ કરોડ હતી. 2022-23માં નજીવી GDP રૂ. 272.04 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે 2021-22માં રૂ. 234.71 લાખ કરોડ કરતાં 15.9 ટકા વધુ છે.