ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

GDP ઘટ્યોઃ છેલ્લા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રની ગતિ ધીમી પડી

Text To Speech

નવી દિલ્હી, 29 નવેમ્બર, 2024: જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે. આ ગાળાના જીડીપી દરના આંકડા આજે જાહેર થયા તે અનુસાર જીડીપી ઘટીને 5.4 ટકા થઈ થઈ છે. આ ઘટાડો છેલ્લા બે વર્ષના સૌથી નીચલા સ્તરે છે. બરાબર એક વર્ષ પહેલાં આ જ ગાળાનો આર્થિક વૃદ્ધિ દર 8.1 ટકા હતો.

છેલ્લે જીડીપીનો સૌથી નીચો દર 2022-2023ના ઑક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં રહ્યો હતો. ત્યારબાદ ભારતના અર્થતંત્રે ગતિ પકડી હતી અને આખી દુનિયામાં વિશાળ દેશોની શ્રેણીમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર સતત સાત ટકાની ઉપર રહ્યો હતો. જોકે, જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વૃદ્ધિદર ભારત કરતાં ઓછો એટલે કે 4.6 ટકા હતો.

નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઑફિસ (એનએસઓ)ના આંકડા અનુસાર કૃષિ નાણાકીય વર્ષ 2024-2025ના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદર વધીને 3.5 ટકા થયો, જે એક વર્ષ પહેલાં આ જ ગાળામાં 1.7 ટકા હતો. ભારતનું જીવીએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 5.6 ટકાના દરે વધ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. ગત વર્ષે આ જ ગાળામાં જીવીએ દર 7.7 ટકા હતો, જ્યારે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં એ દર 6.8 ટકા રહ્યો હતો.

આ ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શન રહેવાને કારણે જીડીપી દર ઉપર મોટી અસર જોવા મળી છે.

જોકે, વેપાર, હોટેલ તેમજ પરિવહન ક્ષેત્રોના અર્થતંત્રમાં સુધારો થતો જોવા મળ્યો છે. આ ક્ષેત્રોએ અર્થતંત્રમાં 6 ટકાનો વિકાસદર આપ્યો છે જે ગત વર્ષના 4.5 ટકા તથા ગત ત્રિમાસિક ગાળાના 5.7 ટકા કરતાં વધારે છે. વીજ ક્ષેત્રમાં વિકાસદર 3.3 ટકા રહ્યો જે ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં 10.5 ટકા હતો.

અર્થતંત્રનું એક મુખ્ય પાસું બાંધકામ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં આ ગાળામાં 7.7 ટકાનો નોંધપાત્ર વિકાસદર જોવા મળ્યો છે. જોકે, ગયા વર્ષે આ જ ગાળામાં બાંધકામ ક્ષેત્રનો વિકાસદર 13.6 ટકા અને ગત ત્રિમાસિક ગાળાના 10.5 ટકાની સરખામણીમાં ઓછો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં લગ્ન પ્રસંગે આતંક મચાવનાર સાત કિન્નરોની પોલીસે કરી અટકાયત

Back to top button