સમગ્ર દેશમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થઈ ચુકી છે,ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આ હેરિટેજ વીકની ઊજવણી કરવામાં આવી છે. GCCI ની બિઝનેસ વુમન કમિટીએ ગઈકાલે એટલે કે 16મી નવેમ્બર, 2022 ના રોજ વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે ભવ્ય ભૂતકાળ પર એક નજર નાખી તેની ઉજવણી કરવાના આશયથી એક ખાસ પ્રસંગનું આયોજન કર્યું હતું. આ પ્રસંગનું આયોજન ખાસ કરીને આપણા ભવ્ય વારસાને ઓળખવા અને તેની પ્રશંસા કરવા અને તે થકી જે ભવ્ય વારસો આપણને મળેલ છે તે અંગે ગૌરવ અનુભવવા તેમજ તેની જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : GCCI પ્રમુખ : ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ ખૂબજ લાભદાયી
કવિ અંકિત ત્રિવેદી અને ગાયક હાર્દિક દવે રહ્યાં હાજર
સાયંકાળે આયોજીત આ પ્રસંગની શરૂઆત જાણીતા કવિ અને લેખક અંકિત ત્રિવેદીના વાર્તાલાપથી થઈ કે કેવી રીતે અમદાવાદના નજીકના ઘરો આપણને ‘આપણું અમદાવાદ’ ની ભવ્ય ભૂતકાળની યાદોની ગલીઓ જેવી એક ભૂતકાળની સફરે લઈ જાય છે. આ સિવાય ગુજરાતી લોક ગાયક અને કલાકાર હાર્દિક દવેએ પણ તેઓના ભાવપૂર્ણ અવાજમાં પ્રસંગને અનુરૂપ ગુજરાતના આગવા લોકગીતો રજૂ કરી, વાતાવરણને જીવંત બનાવ્યું હતું.
વંશપરંપરાગત હસ્તકલાની કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું
આ કાર્યક્રમ દરમ્યાન વારસો અને સંસ્કૃતિ પર વખાણાયેલા કલાકારોની કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. આ પ્રદર્શિત રચનાઓમાં માતાની પછેડી, પટોળા, ટાંગલિયા વણાટ અને વિદેશી પ્રાચીન વસ્તુઓ જેવી વંશપરંપરાગત હસ્તકલાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે દરેક માટે એક આગવો અનુભવ બની રહ્યો હતો. અમદાવાદ સ્થિત મે. લક્ષ્મી જ્વેલર્સે વિતેલા વર્ષોની સુંદરતા દર્શાવતા અદભૂત ડિઝાઇન કરેલા હેરિટેજ સેમ્પલ્સને પણ પ્રદર્શિત કર્યા હતા.
અનોખો પ્રયોગ
આ પ્રસંગે ખાસ આયોજિત રાત્રિભોજન માટે અનોખી રીતે આયોજિત ટેબલો પર બધાજ મહેમાનો એ પોતાનું સ્થાન લીધેલ તેમજ આ તમામ ટેબલ અમદાવાદની અલગ અલગ પોળોના નામોથી અંકિત થયેલ હતા,જે થકી આપણા ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનો તેમજ તેને અનુભવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દર વર્ષે યોજાશે આવા કાર્યક્રમો : GCCI પ્રમુખ પથિક પટવારી
GCCI- બિઝનેસ વુમન કમિટીનો આ પ્રસંગ ખુબજ સફળ બની રહ્યો તેમજ સૌ મહેમાનોએ તેની ખૂબ જ પ્રશંસા કરી હતી. GCCIના પ્રમુખ પથિક પટવારીએ તેમના સંબોધનમા જીસીસીઆઈની બિઝનેસ વુમન કમિટી દ્વારા હેરિટેજના પ્રચાર માટે કરવામાં આવેલી આ એક આગવી પહેલની પ્રશંસા કરી હતી અને ખાતરી આપી હતી કે જીસીસીઆઈ દર વર્ષે હેરિટેજના પ્રચાર અને સંરક્ષણ માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરશે.