ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં પુજારાને ટીમમાં લેવા માંગતો હતો હેડ કોચ ગંભીર પણ…

Text To Speech

નવી દિલ્હી, તા.1 જાન્યુઆરી, 2025:  ભારત બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ છે. પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમની હાર બાદ એક સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભારતીય ટીમમાંથી ચેતેશ્વર પુજારાની ગેરહાજરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે.

ભારતીય બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન પછી, અહેવાલો મુજબ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા પરત ફરવાની હાકલ કરી હતી. પુજારાએ ઓસ્ટ્રેલિયાના છેલ્લા બે પ્રવાસોમાં ભારતની શ્રેણી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગંભીર પુજારાને ટેસ્ટ ટીમમાં સામેલ કરવા માંગતો હતો પરંતુ પસંદગીકારોએ તેની વાતને નકારી કાઢી હતી.

પર્થ ટેસ્ટમાં ભારતની જીત પછીથી જ ગંભીર પૂજારા પોતાની ટીમમાં ઇચ્છતો હતો. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેમની માંગ સ્વીકારી ન હતી. આમ છતાં ગંભીરે તેને ટીમમાં લાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પુજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર તરફથી રમે છે. તે છેલ્લે 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો. જેમાં તેણે 14 અને 27 રન બનાવ્યા હતા. પુજારા 100થી વધુ ટેસ્ટ રમવાનો અનુભવ ધરાવે છે.

પુજારાનો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં દેખાવ

36 વર્ષીય પુજારાએ છેલ્લા બે ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 2018ના પ્રવાસમાં સાત ઇનિંગ્સમાં 521 રન બનાવ્યા હતા. તેણે 2020/21 ના પ્રવાસમાં 271 રન પણ બનાવ્યા હતા. પુજારાને ગાબા ટેસ્ટમાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે, જ્યાં તેમણે ભારતને જીત અપાવવા માટે 211 બોલ રમ્યા હતા. રક્ષાત્મક અભિગમ અપનાવનાર પુજારા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયાના બોલરો માટે સમસ્યા સાબિત થયો છે. અગાઉ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઑસ્ટ્રેલિયાના અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવુડે પણ પુજારા સામે રમવાની તક ન મળવાને લઈને ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ કાશીમાં 80 કરોડના માલિકને પરિવારજનોએ ન આપી કાંધ, 400 પુસ્તક લખ્યા હતા

Back to top button