25 મે, ચેન્નાઈ: ભારતના આગામી કોચ માટેની શોધખોળ જોરશોરથી ચાલુ થઇ ગઈ છે. આ પદ માટે BCCI દ્વારા KKRના મેન્ટર ગૌતમ ગંભીરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના કોચ તો બનવું છે પરંતુ તેમણે BCCI સામે એક શરત રાખી છે.
સમાચાર એ પણ કન્ફર્મ કરે છે કે ગૌતમ ગંભીરે હજી સુધી ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે આવેદન કર્યું નથી. આ ઉપરાંત ગંભીરે હજી સુધી KKRના માલિક શાહરૂખ ખાન સાથે પણ આ અંગે કોઈજ ચર્ચા કરી નથી. પરંતુ એ હકીકત છે કે BCCI અને ગંભીર બંને આ મુદ્દે એકબીજાના સતત સંપર્કમાં છે.
જો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના કોચ બનવું હોય તો તેમણે સહુથી પહેલાં તો કોલકાતા નાઈટ રાઈડર્સની મેન્ટરશીપ છોડવી પડશે. આમ કરવું ગંભીર માટે સરળ નહીં હોય, કારણકે થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે શાહરૂખ ખાને પોતાની ટીમની મેન્ટરશીપ ગંભીરને આવનારા દસ વર્ષ સુધી સોંપી છે અને આ બાબતે તેમણે ગંભીરને કોરો ચેક આપીને વચન પણ લઇ લીધું છે.
તાજા સમાચાર અનુસાર ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે આવેદન કરવાની છેલ્લી તારીખ BCCI દ્વારા 28 મે નક્કી કરવામાં આવી છે. આવતીકાલે એટલેકે 26મી મે ના દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPLની ફાઈનલ રમાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે ફાઈનલ શરુ થાય તે પહેલાં BCCIના ઉચ્ચ અધિકારીઓ અને ગૌતમ ગંભીર વચ્ચે એક મિટિંગ થવાની છે.
આ મિટિંગ અગાઉ ગંભીરની કોચ બનવા માટે BCCI સમક્ષ મુકવામાં આવેલી એક શરત વિશે પણ જાણકારી મળી છે. ગંભીરનું કહેવું છે કે જો BCCI તેમને જ ટીમ ઇન્ડિયાના કોચ બનાવવા માંગતું હોય તો તેણે પહેલાં તો પોતાને (ગંભીરને) આ બાબતે સ્પષ્ટ સંકેતો આપવા જરૂરી છે. જો આમ થશે તો જ તેઓ આવેદન કરવા માટે કોઈ નિર્ણય લેશે.
બીજી તરફ ગંભીરે હજી શાહરૂખ ખાન સાથે પણ વાત કરવાની બાકી છે આથી કદાચ આવતીકાલની મેચ બાદ ગંભીર અને શાહરૂખ વચ્ચે કોઈ મુલાકાત થાય અને ત્યારબાદ એટલેકે સોમવારે આ મુદ્દે ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ વધુ છે.