28 મે, મુંબઈ: ટીમ ઇન્ડિયાના નવા કોચ બનવા માટેની એપ્લિકેશન કરવાની ડેડલાઈન ગઈકાલે પૂરી થઇ ગઈ છે. રાહુલ દ્રવિડ ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ નથી બનવાના એ નક્કી છે. આવામાં ગૌતમ ગંભીર રેસમાં સહુથી આગળ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ બાબતે ગૌતમ ગંભીરનું મૌન ઘણા લોકોને સમજમાં આવતું નથી.
એ વાત પહેલાં જ સ્પષ્ટ થઇ ગઈ હતી કે રાહુલ દ્રવિડને પોતાની ટર્મ એક્સટેન્ડ કરવાની કોઈજ ઈચ્છા નથી અને તે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ICC T20 World Cup બાદ ટીમના કોચપદને ત્યાગી દેશે. એવું જાણવામાં આવ્યું છે કે BCCIએ બેંગલુરુમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડમી એટલેકે NCAના ચેરમેન અને પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણને રાહુલ દ્રવિડનું સ્થાન લેવા માટે જણાવ્યું હતું પરંતુ લક્ષ્મણ આ પદ લેવા માટે હાલ તૈયાર નથી એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું.
આવામાં કોલકાતા નાઈટ રાઈડર્સને કેપ્ટન તરીકે બે અને મેન્ટર તરીકે એક એમ કુલ ત્રણ-ત્રણ IPL ટ્રોફીઓ અપનાવનાર ગૌતમ ગંભીર પર BCCIએ કળશ ઢોળ્યો હતો. પરંતુ હજી સુધી ગૌતમ ગંભીરે મગનું નામ મરી પાડ્યું નથી. એ સમજી શકાય છે કે BCCIને ગૌતમ ગંભીરનું મૌન અકળાવનારું જરૂર લાગતું હશે.
પરંતુ જો BCCIના સૂત્રનું માનીએ તો હાલ પૂરતું BCCIને આ મામલે કોઈજ ચિંતા અથવાતો ઉતાવળ નથી. આ સૂત્રે ભારતની જાણીતી ન્યૂઝ સંસ્થાને જણાવ્યું હતું કે, ‘આટલી બધી ઉતાવળ શેની છે? હજી તો ટીમ ઇન્ડિયા T20 World Cupમાં વ્યસ્ત છે. ત્યારબાદ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ જશે જેમાં સિનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને NCAમાંથી કોઈ સિનીયર કોચ ટીમની સાથે જશે.’
જો આ સૂત્રનું માનવામાં આવે તો એમ કહી શકાય કે BCCI પણ ગૌતમ ગંભીરને હજી વિચારવા માટે વધુ સમય આપવા માંગે છે. જો આ વાત સાચી હોય તો તેનો એવો મતલબ પણ કાઢી શકાય કે BCCIએ ટીમ ઇન્ડિયાના આગામી કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ ફાઈનલ કરી દીધું છે હવે ફક્ત ગંભીરે નિર્ણય લેવાનો છે.
પરંતુ, ગંભીર માટે આ નિર્ણય લેવો સરળ નહીં હોય કારણકે તેના અને KKRના માલિક શાહરૂખ ખાન વચ્ચે ઘર જેવા સંબંધો છે અને આથી તે એટલી સરળતાથી KKRની મેન્ટરશીપ માત્ર એક વર્ષના કાર્યકાળ બાદ નહીં છોડી શકે.