14 મે, અમદાવાદ: કોલકાતા નાઈટ રાઈડર્સ ઓલરેડી IPL 2024ના પ્લેઓફ્સમાં પોતાનું સ્થાન નક્કી કરી ચુક્યું છે. ગઈકાલે ગુજરાત ટાઈટન્સ સામેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની મેચ કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ દરમ્યાન ટીમના મેન્ટર ગૌતમ ગંભીરને પ્રશ્ન કરતાં તેમણે એક ખાસ ખેલાડી વિશે જણાવ્યું હતું.
ગૌતમ ગંભીરનું કહેવું હતું કે તેમની કોલકાતા નાઈટ રાઈડર્સની કપ્તાનીના સમય દરમ્યાન સૂર્ય કુમાર યાદવને બહુ તક ન મળી તેનો તેમને ભારે અફસોસ છે. તેઓ માને છે કે સ્કાયમાં એટલું બધું ટેલેન્ટ છે કે તે ટેસ્ટ મેચમાં પણ સારું રમી શકે છે.
ગૌતમ ગંભીરને આ બાબતે જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘એક કેપ્ટનની ભૂમિકા હોય છે કે તે અદ્ભુત પ્રતિભાની શોધ કરીને દુનિયાની સામે પ્રદર્શિત કરે. કેપ્ટન તરીકે મારા સાત વર્ષના કાર્યકાળમાં જો મને કોઈ વાતનો અફસોસ હોય તો તે એ છે કે હું સૂર્ય કુમાર યાદવની પ્રતિભાને ઓળખી ન શક્યો અને તેનો યોગ્ય ઉપયોગ પણ ન કરી શક્યો.’
જો કે ગૌતમ ગંભીર માને છે કે તે સમયે ટીમનું કોમ્બિનેશન જ એવું હતું કે સ્કાયની ટીમમાં જગ્યા બનતી જ ન હતી. ત્રણ નંબર પર એક જ ખેલાડી રમી શકે છે અને તમારે લાઈનઅપમાં અન્ય દસ ખેલાડીઓ વિશે પણ વિચારવું પડે છે. તે 7 નંબર પર પણ સારી બેટિંગ કરી શકતો હતો, પણ તે ત્રીજા નંબરે વધુ યોગ્ય હતો.
સ્કાય વિશે ગૌતમ ગંભીર આગળ કહે છે કે ‘તે એક ટીમ પ્લેયર પણ હતો. જો કે તે સારું રમી શકે છે અને એક સારો ખેલાડી બનીને દેખાડવું એક બહુ મોટો પડકાર હોય છે. તેના ચહેરા પર કાયમ સ્મિત રહેતું અને તે ટીમ માટે કોઈ પણ યોગદાન આપવા માટે કાયમ ઉત્સુક રહેતો. તમે તેને રમાડો કે ન રમાડો તેને કોઈ જ ફરક નહોતો પડતો. આથી જ અમે તેને વાઈસ કેપ્ટન બનાવ્યો હતો.
શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સ બાદ સૂર્ય કુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવા માંડ્યો હતો. આ ઉપરાંત ગૌતમ ગંભીર પણ લખનૌ સુપર જાયન્ટ્સ બાદ હવે કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર તરીકે સેવા આપે છે.
કોલકાતા ઓલરેડી પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ ચૂક્યું છે, જ્યારે મુંબઈ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળનારી પહેલી ટીમ બની હતી.