IPL-2024વિશેષસ્પોર્ટસ

‘એમણે IPLમાં શું સિદ્ધ કર્યું છે?’ ડી’વિલીયર્સ અને પીટરસન પર વરસી પડ્યો ગંભીર

15 મે, કોલકાતા: હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની આકરી ટીકા થઇ રહી છે. તેની ટીકા કરવામાં ભારત તેમજ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સનો કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આશ્ચર્યજનક રીતે હાર્દિક પંડ્યાની તરફેણમાં સામે આવ્યો છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસનઅને સાઉથ આફ્રિકા તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટ્સમેન એબી ડી’વિલિયર્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીની તેમજ તેના હાલના ફોર્મની આકરી ટીકા કરી હતી. આ બાબતે જ્યારે ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેઓ હાર્દિક પંડ્યાની સતત થઇ રહેલી ટીકાથી ખુશ નથી. આટલું જ નહીં પરંતુ ગંભીર તો એટલી હદ સુધી કહી બેઠો હતો કે IPLમાં ડી’વિલીયર્સ અને પીટરસનએ શું સિદ્ધિ મેળવી છે.

ગૌતમ ગંભીરનો ગુસ્સો ડી’વિલીયર્સ પર વધુ હોય તેમ લાગતું હતું. તેણે કહ્યું હતું કે, ‘તેમના પોતાના પરફોર્મન્સ બાબતે શું કહીશું જ્યારે તે કેપ્ટન હતા? એ કેવિન પીટરસન હોય કે પછી એબી ડી’વિલીયર્સ હોય તેમની કપ્તાનીમાં તેમણે શું સિદ્ધ કરી બતાવ્યું છે? જો તમે તેમના રેકોર્ડ્સ ધ્યાનથી જુશો તો મને નથી લાગતું કે તેમના રેકોર્ડ એટલા બધા સારા હોય. મને નથી લાગતું કે વ્યક્તિગત સ્કોર સિવાય એબી ડી’વિલિયર્સે IPLમાં કોઈ મોટી સિદ્ધિ  મેળવી હોય. તેણે ટીમને ચેમ્પિયન બનાવવામાં કોઈ ભૂમિકા ભજવી હોય તેવો એકપણ દાખલો નથી જ્યારે હાર્દિક પંડ્યાએ તો કેપ્ટન તરીકે IPL જીતી બતાવી છે.’

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, ‘સરખામણી કરો તો બે સમાન વસ્તુઓની સરખામણી કરો, તમે નારંગીના સ્વાદની સરખામણી સફરજનના સ્વાદ સાથે ન કરી શકો.’

ગઈકાલે ગૌતમ ગંભીરે પોતે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તે સૂર્ય કુમાર યાદવની પ્રતિભાને બરોબર ઓળખી ન શક્યો અને તેનો યોગ્ય ઉપયોગ પણ ન કરી શક્યો તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો. ગૌતમ ગંભીર આ વર્ષે KKRનો મેન્ટર છે, જ્યારે સૂર્ય કુમાર યાદવ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ગત વર્ષના ઓક્શન અગાઉ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી રીટેઇન કરી લેવાયો હતો. ત્યારથી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં બધું સારું ન હોવાનું સામે આવતું રહ્યું છે અને કદાચ તેની જ અસર છે કે ટીમ આ વર્ષે IPLમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.

Back to top button