16 મે, કોલકાતા: ભારતીય ટીમના પૂર્વ ઓપનીંગ બેટ્સમેન ગૌતમ ગંભીરની અટક તો ગંભીર છે જ પરંતુ તેઓ સ્વભાવથી પણ ગંભીર છે. ભારતીય સંસદમાં પણ સભ્ય રહી ચૂકેલા ગંભીર હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ છે. પરંતુ હાલમાં જ એક યુવતિના પડકારથી તેઓ પીગળી ગયા હતા.
સોશિયલ મીડિયામાં એક યુવતિની પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં તે પોસ્ટર લઈને ઉભી છે. આ પોસ્ટરમાં આ યુવતિએ લખ્યું હતું કે જ્યાં સુધી ગૌતમ ગંભીર સ્મિત નહીં કરે ત્યાં સુધી તે પોતાના ક્રશને પ્રપોઝ નહીં કરે.
આ પોસ્ટ વાયરલ થયાબાદ નક્કી તે ગૌતમ ગંભીરના ધ્યાનમાં આવી હશે તે શક્ય છે. સામાન્ય રીતે કડક શિક્ષક હોય એવું વર્તન ધરાવતા ગૌતમ ગંભીર આ યુવતિના પડકારથી પીગળી ગયા હોય એવું લાગ્યું હતું. કારણકે ગંભીરે આ યુવતિને જવાબ આપતી પોસ્ટ કરી હતી.
આ પોસ્ટમાં ગૌતમ ગંભીર પોતે સ્મિત આપી રહ્યા હોય એવો ફોટો તેમણે મુક્યો હતો. આ ફોટા પર તેમણે કેપ્શન મુક્યું હતું, ‘Here we go’. ગંભીરની આ પોસ્ટ થોડા જ સમયમાં વાયરલ થઇ ગઈ હતી. આમ કરીને ગંભીર પોતે કડક છે અથવાતો ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે તેવી સામાન્ય માન્યતાને તેમણે ફગાવી દીધી હતી.
ગૌતમ ગંભીર ભારતની પ્રથમ T20 વર્લ્ડ કપની તેમજ 2011ની પચાસ ઓવરની વર્લ્ડ કપની ટીમમાં સામેલ હતા. ત્યારબાદ તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સને પણ IPL ટ્રોફી અપાવી હતી. થોડા વર્ષ કોલકાતાની ટીમથી દૂર રહ્યા બાદ ગંભીર ફરીથી આ વર્ષે ટીમ સાથે જોડાયા છે.
ગંભીર IPL 2024માં નાઈટ રાઈડર્સના મેન્ટર બન્યા છે. તેમના આવવાથી ટીમના જુસ્સામાં ખરેખર ફેરફાર થયો હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ વર્ષના પ્લેઓફ્સમાં ક્વોલીફાય થનારી પહેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ જ છે. આટલું જ નહીં તેણે પ્લેઓફ્સ માટે જરૂરી એવા પ્રથમ બે સ્થાનોમાંથી એક સ્થાન પણ પાક્કું કરી લીધું છે.
આ રીતે ગૌતમ ગંભીરની ટીમમાં વાપસી એ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાયદાકારક રહી છે. હાલમાં જ ગંભીરે મુંબઈ ઇન્ડિયન્સની ટીકા કરતા પૂર્વ ખેલાડીઓ એબી ડી’ વિલીયર્સ અને કેવિન પીટરસનની આકરી ટીકા કરી હતી તેમજ પોતે નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા ત્યારે સૂર્ય કુમાર યાદવની પ્રતિભાને તેમણે ઓછી આંકી હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.