નવી દિલ્હીઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની અદાણી ડેટા નેટવર્ક લિમિટેડને દૂરસંચાર સેવાઓ માટે એકીકૃત લાયસન્સ મળી ગયું છે. એટલે કે કંપની દેશમાં તમામ પ્રકારની ટેલિકોમ સર્વિસ આપવા માટે સક્ષમ થઈ ગઈ છે. હાલમાં જ દેશમાં 5G સ્પેક્ટ્રમ ઓક્શનમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા પછી અદાણી ગ્રુપે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી લીધી હતી.
સોમવારે લાયસન્સ આપવામાં આવ્યું
અદાણી ગ્રૂપે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી લેતા કહ્યું હતું કે તેઓ પોતાના ડેટા સેન્ટરની સાથે સુપર એપ માટે એકવેવનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે. જે વીજળી વિતરણથી લઈને એરપોર્ટ અને પોર્ટ સુધી ગેસની જથ્થાબંધ વેચાણને સમર્થન આપશે. PTI મુજબ આ મામલે જોડાયેલા બે સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે અદાણી ડેટા નેટવર્ક્સને યૂએલ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રૂપને સોમવારે લાયસન્સ આપવામાં આવ્યા છે.
મુકેશ અંબાણી સાથે સીધો મુકાબલો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને જ ઉદ્યોગપતિ ગુજરાતના છે. અત્યાર સુધી બંને ગ્રૂપ અલગ-અલગ સેક્ટરમાં કામ કરતા આવ્યા છે. બંને ગ્રૂપ વચ્ચે કોઈ ડાયરેક્ટ હરિફાઈ ન હતી. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રૂપ ઓઈલ, રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં કામ કરે છે.
તો અદાણી ગ્રૂપ પોર્ટ, કોલ, ગ્રીન એનર્જી, વીજળી વિતરણ અને એવિએશન સેક્ટરમાં છે. પરંતુ હાલના સમયમાં અદાણી ગ્રુપ પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી મારી છે તો રિલાયન્સ જૂથે પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. હવે ટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રૂપના પ્રવેશથી બંને વચ્ચે પહેલી ડાયરેક્ટ પ્રતિસ્પર્ધા છે.
ટેલિકોમ સેક્ટરમાં જોવા મળશે જોરદાર ટક્કર
આ મુદ્દે અદાણી ગ્રૂપ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ટેલિકોમ સેવાઓ આપવા માટે તૈયાર ગૌતમ અદાણીની કંપની હવે આ લાયસન્સ મળ્યા બાદ પોતાની 5G સેવાઓમાં વિસ્તાર કરી શકે છે. આ સાથે જ આ સેક્ટરમાં પહેલાથી જ મૂળિયા મજબૂત કરનારી કંપનીઓ JIO, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી કંપની સાથે જોરદાર હરિફાઈ થશે.
212 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા સ્પેક્ટ્રમ
અદાણી ગ્રૂપે હાલમાં પૂર્ણ થયેલી 5G સ્પેક્ટ્રમની હરાજી દરમિયાન 20 વર્ષ માટે 212 કરોડ રૂપિયામાં 400 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા. આ ખરીદીની સાથે જ ગૌતમ અદાણીએ દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. જો કે તે સમયે કંપનીએ કહ્યું હતું કે તેઓ આ સ્પેક્ટ્રમનો ઉપયોગ ગ્રૂપની અંદર વેપારી પ્રવૃતિઓ માટે કરશે.
અંબાણીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે
5G સ્પેક્ટ્રમ ખરીદવાની રેસમાં સૌથી આગળ 88,708 કરોડ રૂપિયા ખર્ચીને મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ રહી હતી. જ્યારે બીજા નંબરે ભારતી એરટેલ, જેમને 43,084 કરોડ રૂપિયા તો ત્રીજા નંબરે 18,799 કરોડ રૂપિયા ખર્ચીને વોડાફોન-આઈડિયા છે.