શતાબ્દી મહોત્સવમાં આજે જામ્યો સંતોનો મેળાવડો : ઉજવાયો ‘રાષ્ટ્રીય સંત સંમેલન’ દિવસ
અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ સંત પરંપરાની ભેટ આપીને તેને ગૌરવાન્વિત કરી છે. તેમણે ૩૦૦૦થી વધુ પરમહંસો દ્વારા પવિત્ર નૈતિક, આધ્યાત્મિક જીવન જીવવા લાખો લોકોને પ્રેરિત કરીને શાંત ક્રાંતિ કરી હતી. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મની મહાન સંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ અપ્રતિમ યોગદાનને અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું. જેમાં ૨૫૦ કરતાં વધુ સંતો, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કોરોનાના કેસ વધતાં શતાબ્દી મહોત્સવમાં વિદેશથી આવતાં નાગરિકો માટે જરૂરી સૂચના
સવારે ૯ વાગ્યે નગરના મુખ્ય દ્વાર પાસે સર્વે અતિથિ સંતોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિ પાઠ સાથે પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સર્વે સંતો શોભાયાત્રાના સ્વરૂપમાં પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા પાસે પહોંચ્યા હતા. ત્યાં વેદોક્ત પૂજન સાથે સૌ સંતોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા તેમજ પૂજન અને પ્રદક્ષિણા બાદ સર્વે સંતોએ સમ્મેલનના સભાગૃહમાં સ્થાન ગ્રહણ કર્યું હતુ. સંધ્યા સભામાં BAPS ના સંગીતવૃંદ દ્વારા ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS ના પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત BAPS ના વરિષ્ઠ સંતો – પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય (કોઠારી) સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી દ્વારા સાધુતાના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજ વિશે મનનીય પ્રવચનો આપવામાં આવ્યા હતાં.
પ્રમુખસ્વામી મહારાજ “યુગપુરુષ” હતા : પૂ. ચિદાનંદ સરસ્વતી
મુખસ્વામી મહારાજ વિશે મનનીય પ્રવચનોની શરુઆતમાં પરમાર્થ નિકેતન આશ્રમના પૂ. ચિદાનંદ સરસ્વતીએ કહ્યું હતુ કે, “આજે હું મારી ખુશી વ્યક્ત કરતા કહું છું કે હું પ્રથમ વખતે ૧૯૮૦ માં પ્રમુખસ્વામી મહારાજને મળ્યો હતો અને એમની સરળતા, સાદગી, વિનમ્રતા વગેરે મને સ્પર્શી ગઈ હતી. મેં લંડનમાં કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ “શતાબ્દી મહાપુરુષ” અને “યુગપુરુષ” હતા જેમણે સમગ્ર સમાજ ને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રદર્શન નથી પરંતુ મારા માટે પ્રમુખસ્વામી મહારાજના વિચારો અને આદર્શોનું દર્શન છે. મારા મતે ભારતના દરેક શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ નગર જેવા ભવ્ય અને દિવ્ય નગરની રચના થવી જોઈએ જે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રદર્શિત કરે અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે. ભારતની ભૂમિ એ શાંતિની ભૂમિ છે અને પ્રમુખસ્વામી મહારાજ નગર પણ શાંતિ અને સમર્પણની ભૂમિ છે કારણકે બહાર ૮૦,૦૦૦ દર્શકો પણ જોવા મળતા નથી જ્યારે અહીં ૮૦,૦૦૦ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ જેમ ઉચ્ચ જીવન જીવવાના પથ દર્શાવતા હતા તેમ અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરની બહાર સ્વયંસેવકો હસતે મોઢે નગરમાં આવવાનો રસ્તો બતાવતા જોવા મળે છે.
કરોડો રૂપિયા કમાનાર વ્યકિત પણ ઘરમાં પોતાના ફોટો નથી મૂકતા પરંતુ સાદગી અને વિનમ્રતાના પ્રતીક અને સમાજ સેવા માટે પોતાની કાયા સમર્પિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના ફોટો મૂકે છે. પ્રમુખસ્વામી મહારાજે લોકોની જીવનની દિશા બદલીને જીવનપરિવર્તન કર્યાં છે અને આજે અહી હાજર તમામ સંતો ભક્તોમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે. જે રીતે વૃક્ષો ઓક્સિજન આપે છે તે રીતે સંતો તેમની સાધુતાથી સમાજને ઓક્સિજન આપે છે.”
આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે પ્રમુખસ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ : રણજીતસિંહજી
આ ઉપરાંત શીખ ધર્મગુરુ સિંઘસાહિબ જ્ઞાની રણજીતસિંહજીએ જણાવ્યું હતું કે,“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શીખવાનું ઘણું છે. સમગ્ર ભારત વર્ષના લોકો અહીં આવશે. આટલા મોટા નગરનું આયોજન અને પ્રબંધન કઈ રીતે કરી શકાય અને તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે પ્રમુખસ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે.”
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવારૂપી તપ કરનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકોને શત શત નમન કરું છું : સ્વામી રામેશ્વરદાસજી મહારાજ
મહામંડલેશ્વર ડોક્ટર સ્વામી રામેશ્વરદાસજી મહારાજે જણાવ્યું હતું કે, “નૈમિષારણ્ય ક્ષેત્રમાં જે રીતે ૮૮૦૦૦ ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા તે રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવારૂપી તપ કરનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકોને શત શત નમન કરું છું. સંપૂર્ણ વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસારનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે. પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધુ સંતો અને ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ કરીને ધાર્મિક ક્રાંતિ કરી છે અને તેમના પુરુષાર્થના કારણે સમગ્ર વિશ્વ તેમને સાચા અર્થમાં “પ્રમુખ” માને છે.”
આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વમાં 8 થી 10 લાખ પેકેજ છોડીને યુવકો કરે છે ટોયલેટ સાફ કરવાની સેવા
આ ઉપરાંત આજે સંત સંમેલનમાં પધારેલા પૂજ્ય સંતોએ પણ વક્તવ્યો આપ્યા હતા, જેના અંશો આ મુજબ છે.
પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે તમામ ધર્મોના સાધુ સંતોને વિશેષ ભાવ છે : પૂ. વિવેકસાગર સ્વામી
BAPS ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કુંભ મેળો યોજાયો છે તેવી અનુભૂતિ થાય છે. ભલે આપણે આજે અલગ અલગ સંપ્રદાયોના સંતો ભેગા થયા છીએ પણ આપણો ધર્મ એક જ છે તે આપણી સાધુતા. ઈ.સ. ૧૯૮૧માં પણ દેશભરના ૩૦૦૦ સાધુ સંતો સ્વામિનારાયણ ભગવાન દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારેલા. પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે તમામ ધર્મોના સાધુ સંતોને વિશેષ ભાવ છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો અને પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી પણ વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કર્યો છે.”
આજે આ ભૂમિ સાધુ સંતોનાં ચરણકમળથી પાવન થઈ છે : પરમાત્માનંદજી મહારાજ
ભારતીય આચાર્ય સભાના પ્રમુખ પૂજ્યપાદ પરમાત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે,“આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે કારણ કે આજે આ ભૂમિ સાધુ સંતોનાં ચરણકમળથી પાવન થઈ છે. કોઈ પણ સંસ્થાના પ્રાણ એ તેના સાધુ અને તેમની સાધુતા છે અને એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્યયુક્ત સાધુ સમાજનું નિર્માણ કર્યું છે. ગુલામીના સમયમાં અનેક મંદિરોનો વિનાશ કરવામાં આવ્યા છે તો પણ હિન્દુ ધર્મનું રક્ષણ થયું છે કારણ કે તેનું રક્ષણ ખુદ ભગવાન અને અહીં પધારેલા સાધુ સંતો કરી રહ્યા છે.”
પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે : પૂજ્ય રવીન્દ્રપૂરી મહારાજ
અખાડા પરિષદ અધ્યક્ષના પૂજ્ય રવીન્દ્રપૂરી મહારાજે જણાવ્યું હતું કે,“પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે અને જે લોકો હિન્દુ ધર્મને માનતા નથી તેવા દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં ક્યાંય પણ ભગવા કપડાંને જોઈને સૌ વંદન કરે છે તે માટે આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના આભારી છીએ કારણ કે તેમણે સાધુ સમાજનું ગૌરવ વધાર્યું છે.”
સમાજ ઘડતરનું કાર્ય કરવું એ આપણાં સાધુ સમાજનું કર્તવ્ય : પૂજ્ય કૃષ્ણમુનિ મહારાજ
પૂજ્ય કૃષ્ણમુનિ મહારાજે જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વવ્યાપી બનાવવા અનેક સાધુ સંતોનું યોગદાન રહ્યું છે. પોતાની જીવનશૈલીથી અને કાર્યોથી સમાજ ઘડતરનું કાર્ય કરવું એ આપણાં સાધુ સમાજનું કર્તવ્ય છે અને પ્રમુખસ્વામી મહારાજે તેમના સાધુતાયુક્ત જીવનથી અનેક લોકોને પ્રેરણા આપી છે.”
મુખસ્વામી મહારાજે તેમની પાસે આવેલા તમામ માણસોને અમૃત પીવડાવ્યું છે : પૂજ્ય જ્ઞાનદેવસિંહજી મહારાજે
નિર્મલ અખાડાના અધ્યક્ષ પૂજ્ય જ્ઞાનદેવસિંહજી મહારાજે જણાવ્યું હતું કે,“આજે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી ભારતવર્ષના તમામ સાધુ-સંતોનાં દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે તેમની પાસે આવેલા તમામ માણસોને અમૃત પીવડાવ્યું છે અને તેઓ સાચા અર્થમાં સંત પરમહિતકારી અને માનવતાના પૂજારી છે.”
પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધારે સંતોની ફોજ તૈયાર કરી દીધી છે : આચાર્ય અવિચળદાસજી મહારાજ
આચાર્ય અવિચળદાસજી મહારાજે જણાવ્યું હતું કે,“સંતોની ભૂમિકા સમાજ માટે શું હોવી જોઈએ એ સમજવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ સંસ્થા છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈ રહ્યા છીએ એના નિર્માણ કાર્યમાં આ સાધુ સંતોએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભારતમાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે અને દરેક ધર્મમાં આદર્શ ઉત્તરાધિકારીની જરૂર હોય છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધારે સંતોની ફોજ તૈયાર કરી દીધી છે. ધર્મ પ્રચારનું કાર્ય તો ઘણા લોકો કરી શકે છે, પણ સાચા અર્થમાં જેણે પોતાના ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય તે જ સંત સમાજનો ઉદ્ધાર કરી શકે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા અને સમર્પણનાં દર્શન થાય છે.”
પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષનું અવતરણ થયું એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત : પૂજ્ય વિશ્વાત્માનંદજી મહારાજ
જમ્મુ કાશ્મીરના અટલ પીઠાધીશ્વરના પૂજ્ય વિશ્વાત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે,“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એ આપણાં માટે ગૌરવની વાત છે. આ ભારત વર્ષ સંતો, તપસ્વીઓ અને ઋષિમુનિઓની ભૂમિ છે અને તેમાં પણ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષનું અવતરણ થયું એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. મારા મતે આ પ્રકારના મહોત્સવમાં સમાજના વિદ્યાર્થી અને યુવાવર્ગ ને આવકારવા જોઈએ તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહેશે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવનાર તમામ માણસો હિન્દુ સંસ્કૃતિથી વધારે પરિચિત થશે.”
ભલે પ્રમુખસ્વામી મહારાજનું સદેહ અસ્તિત્વ નથી દેખાતું પરંતુ તેમનું વ્યક્તિત્વ અનંત કાળ સુધી જીવિત રહેશે : આચાર્ય બાલકાનંદજી મહારાજ
આચાર્ય બાલકાનંદજી મહારાજે જણાવ્યું હતું કે,“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તમામ સંતો અને સ્વયંસેવકો પ્રમુખમય થઈને કાર્ય કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની શરણમાં જે જે ગયા તેમનાં તમામ દુઃખ દર્દો દૂર થઈ જાય છે. આજે ભલે પ્રમુખસ્વામી મહારાજનું સદેહ અસ્તિત્વ નથી દેખાતું પરંતુ તેમનું વ્યક્તિત્વ અનંત કાળ સુધી જીવિત રહેશે અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દરેકમાં મને પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા સંતોને જોઈને સંદેશ મળે છે કે સંયમ, સેવા, સાધના અને સમર્પણયુક્ત સાધુ સંતો સમાજનો ઉદ્ધાર કરી શકે છે.”
આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આજે 10મો દિવસ, જાણો શું છે ખાસ
પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષે તમામ ભક્તો સંતોને ભગવાન સાથે જોડ્યા છે : જગદગુરુ શ્રીધરાચાર્યજી મહારાજ
જગદગુરુ શ્રીધરાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે,“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરની પાવનધરા પર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં દર્શન થાય છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંતો મહંતો ને જોઈને પ્રમુખસ્વામી મહારાજ પણ આનંદિત થઈ ગયા હશે. ભગવાન સ્વામિનારાયણે આ ગુજરાતની પાવન ધરાને દિવ્ય બનાવી છે અને અહીં પધારીને ભક્તોનું કલ્યાણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષે તમામ ભક્તો સંતોને ભગવાન સાથે જોડ્યા છે અને એક સાચા સંતનું તે પરમ કર્તવ્ય છે. અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરને જોઈને સ્વામિનારાયણ ભગવાન તેમજ અનેક મંદિરોનું નિર્માણ કરનાર પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ પ્રસન્નતા થતી હશે.પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતો દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જીવિત રહેશે.”
આ સનાતન સભ્યતાનો મહાકુંભ : રામાનંદાચાર્યજી મહારાજ
રામાનંદાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે,“સનાતન સભ્યતાનો મહાકુંભ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળી રહ્યો છે. આજે આ સંસ્થામાં યુવાશક્તિ અને સંતોમાં ભક્તિ ભાવ જોવા મળે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુવાશક્તિને જાગ્રત કરવામાં આવે છે અને તેનો પ્રચાર વિશ્વભરમાં કરવામાં આવે છે.”
ધર્મના પ્રવર્તન માટે પણ પ્રમુખસ્વામી જેવા સંતોના આ પૃથ્વી પર અવતરે : પૂજ્ય હરિચેતનાનંદ મહારાજ
મહામંડલેશ્વર પૂજ્ય હરિચેતનાનંદ મહારાજે જણાવ્યું હતું કે, “આજે સાબરમતી નદીના કિનારે સંતોનો મહાકુંભ યોજાયો છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જાય છે. ભગવાન પ્રમુખસ્વામી મહારાજના રૂપે જીવોના ઉદ્ધાર કરવા આવે છે અને વૈદિક સનાતન ધર્મના પ્રવર્તન માટે પણ ભગવાન પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના રૂપે આ પૃથ્વી પર અવતરે છે. પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિને જીવિત રાખી છે અને ભારતના વિકાસમાં સૌ સાધુ સંતોનું અતુલ્ય યોગદાન છે. મારા મતે આ શતાબ્દી મહોત્સવ એ વિશ્વનો સૌથી મોટો શતાબ્દી મહોત્સવ છે અને તેનું શ્રેય અહીંના સંતો અને સ્વયંસેવકોને જાય છે.”
મહારાજનો જન્મ સમગ્ર વિશ્વમાં સત્ય સનાતન ધર્મના પ્રસાર માટે થયો : યતીન્દ્રનાનંદજી મહારાજ
મહામંડલેશ્વર યતીન્દ્રનાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજનો જન્મ સમગ્ર વિશ્વમાં સત્ય સનાતન ધર્મના પ્રસાર માટે થયો હતો.”
પ્રમુખસ્વામી મહારાજ કેટલા મહાપુરુષ અને પુણ્યશાળી : દેવીપ્રસાદજી મહારાજ
મહંત દેવીપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે,“પ્રમુખસ્વામી મહારાજ કેટલા મહાપુરુષ અને પુણ્યશાળી હશે કે તેમના શતાબ્દી મહોત્સવમાં આટલા બધા મહાપુરુષો પધાર્યા છે.”
આપણો ધર્મ અને લક્ષ્ય એક જ : ભગવતસ્વરૂપદાસજી મહારાજ
મહામંડલેશ્વર ભગવતસ્વરૂપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ ૨૫૦ સંતો સાથે અમારા હરિદ્વારના આશ્રમમાં આવ્યા હતા તે અમારું સૌભાગ્ય હતું. ભલે આપણે સૌ અલગ અલગ સંપ્રદાયના છીએ પરંતુ આપણો ધર્મ અને લક્ષ્ય એક જ છે. આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજ જેવા સાધુ જોડે મન જોડી દઈશું તો આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.”
ઉચ્ચ જીવન જીવવા માટે સમગ્ર દુનિયાની નજર હિન્દુ સંસ્કૃતિ તરફ : સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ
ગોવાના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, “આજે સમગ્ર દુનિયા ઉચ્ચ જીવન જીવવા માટે હિંદુ સંસ્કારો અને હિન્દુ સંસ્કૃતિ તરફ નજર રાખે છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક હિન્દુ ધર્મના પ્રવર્તનનું કાર્ય કરી રહી છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયેલ સંત સંમેલનથી વિશ્વભરમાં હિન્દુ એકતાનો સંદેશો જશે.”
ગુજરાતમાંથી ભક્તિનો પ્રસાર વિશ્વભરમાં થયો : જિતેન્દ્રનાથજી મહારાજ
દેવનાથ પીઠના મઠાધીશ જિતેન્દ્રનાથજી મહારાજે જણાવ્યું હતું કે, “ગુજરાતમાંથી ભક્તિનો પ્રસાર વિશ્વભરમાં થયો છે અને અક્ષરપુરુષોત્તમ મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પ્રથમ સંપ્રદાય છે જેના સાધુ સંતો વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગુરુના રૂપમાં ભગવાન જો પૃથ્વી પર કાર્ય કરવા આવવા માગતા હોય તો પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અવતરણ કરે એવું હું દૃઢપણે માનું છું. મારા માટે ભારત વર્ષને વિશ્વગુરુ બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્ત્વનો ફાળો રહેશે.”
પ્રમુખસ્વામી મહારાજે કરેલાં કાર્યો અદ્ભુત : મહંત દિલીપદાસજી
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે,“પ્રમુખસ્વામી મહારાજે ધર્મ અને સમાજ માટે કરેલાં કાર્યો એટલા અદ્ભુત હતા કે આજે ભારતભરના સંતો મહંતો તેમના શતાબ્દી મહોત્સવમાં હાજર રહ્યા છે.”
સાચા સંત એ પ્રભાવથી નહિ પરંતુ સ્વભાવથી લોકોનું જીવન પરિવર્તન કરે : આચાર્ય જીયર સ્વામી લક્ષ્મીપ્રપન્નાજી
પૂજ્યપાદ આચાર્ય જીયર સ્વામી લક્ષ્મીપ્રપન્નાજીએ જણાવ્યું હતું કે, “સાચા સંત એ પ્રભાવથી નહિ પરંતુ સ્વભાવથી લોકોનું જીવન પરિવર્તન કરે છે અને પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં તેવા સંત હતા અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોને ભગવાન વારંવાર જન્મ આપે એવી મનોકામના કરું છું.”
સંતો આ દેશ અને સમાજનું રક્ષણ કરે છે : મહંત ફુલડોલવિહારીદાસજી
મહંત ફુલડોલવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, “સંતો આ દેશ અને સમાજનું રક્ષણ કરે છે અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોમાં ભગવાન પ્રગટ હોય છે.”
સંત સમાગમથી જીવન ચારિત્ર્ય યુક્ત બને છે : આત્માનંદ સરસ્વતીજી મહારાજ
મહામંડલેશ્વર આત્માનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, “સંત સમાગમથી જીવન ચારિત્ર્ય યુક્ત બને છે અને પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્ય યુક્ત સત્સંગ સમાજનું નિર્માણ કર્યું છે.”
પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા દ્વારા પારિવારિક મૂલ્યોનું જતન કર્યું : ચૈતન્યશંભુજી મહારાજ
પૂજ્યપાદ ચૈતન્યશંભુજી મહારાજે જણાવ્યું હતું કે, “મારા મતે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ આ સદીનો સૌથી મોટો મહોત્સવ છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્રને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ઉજ્જવળ થઈ જશે. મંદિરોએ આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કરીને સમાજસેવાનાં અનેક કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા દ્વારા પારિવારિક મૂલ્યોનું જતન કર્યું છે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાધનને ભગવાનના માર્ગે જોડ્યા છે. ભગવો એ માત્ર રંગ નથી પરંતુ હિંદુ ચેતનાનું કેન્દ્ર છે. વાણી વર્તન અને વિવેકનો ત્રિવેણી સંગમ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સારી રીતે ઉજવવો હોય તો પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા પથ પર ચાલવું પડશે અને તેમણે શીખવેલાં મૂલ્યો જીવનમાં ઉતારવા પડશે.”
સૌ સંતો મહંતો એક થઈને કાર્ય કરીશું તો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું : સદાનંદ સરસ્વતીજી મહારાજ
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ આનંદ થયો છે અને મહંતસ્વામી મહારાજને ધન્યવાદ આપું છું આ શતાબ્દી મહોત્સવના આયોજન માટે. આપણે સૌ સંતો મહંતો એક થઈને કાર્ય કરીશું તો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું.”
મહંતસ્વામીજી સૌનો આભાર માન્યો
પરમ પૂજ્ય મહંતસ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે,“આજે ભારતભરમાંથી પધારેલા સંતો મહંતોના એકસાથે દર્શન થવાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું અને તમામનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કારણકે આપ સૌ સમાજની સારામાં સારી સેવા કરી રહ્યા છો. આપ સૌ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા તે માટે હું આપ સૌનો ઋણી છું. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ” અને આજે આપણે સૌ જુદા જુદા સંપ્રદાયોના સંતો મહંતો ભેગા થયા છીએ ત્યારે તેમણે કહેલું આ વાક્ય સાચું થતું જણાય છે. આપણે સૌ સાથે મળીને સમાજની સેવા કરી શકીએ અને આપ સૌના આશીર્વાદ અમને હમેશાં મળતા રહે તેવી અભ્યર્થના.”