ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરામાં CNG સપ્લાય કરતી ગાડીમાં ગેસ લિકેજ, થોડીવાર માટે રોડ બંધ કરવો પડ્યો

Text To Speech

વડોદરા, 30 જુલાઈ 2024 શહેરના ગોત્રી વિસ્તારમાં CNG સપ્લાય કરતી ગાડીમાં પાઈપલાઇન ફાટી ગઈ હતી અને તરત ગેસ લીકેજ શરૂ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું. શહેરના મુખ્ય રોડ પર CNG ગેસ લીકેજ થતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડે ગેસ લિકેજ અટકાવતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો.

અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ગોત્રી વિસ્તારમાંથી CNG સ્ટેશન ઉપર ગેસ સપ્લાય કરતી CNG ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી.ગાડીનો પાઈપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સંભળીને ડ્રાઇવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી. જે બાદ તેણે ગેસ લીકેજને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો.

શહેરમાં વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી ગયા
CNGની આ ગાડી ઇલોરા પાર્ક ખાતે આવેલા વડોદરા ગેસ સ્ટેશનથી ગેસ ભરીને શહેરમાં આવેલા અન્ય ગેસ સ્ટેશન પર ગેસ પહોંચાડવા માટે જઈ રહી હતી. ગોત્રી વિસ્તારમાં આ ગાડીમાં ગેસ લીકેજ થતા ગાડીને પરત વડોદરા ગેસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી હતી.અત્યારે વડોદરા શહેરમાં વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફાયરમેન તુષાર દેવરેએ મીડિયાને જણાવ્યું હતું કે, અમને સવારે સીએનજી ગાડીમાં ગેસ લીકેજ થયો હોવાનો કોલ મળ્યો હતો, જેથી સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદીઓ હવે ઓલા-ઉબેર ટેક્સી મોંઘી થશે, પ્રતિ કિ.મી આટલુ ભાડુ વસૂલશે

Back to top button