આંધ્રપ્રદેશના અચ્યુતપુરમમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકનો મામલો સામે આવ્યો છે. ગેસ લીક થવાથી કંપનીની મહિલા કર્મચારીઓને ઉલ્ટી થવા લાગી હતી અને કેટલીક મહિલા કર્મચારીઓ પણ બેહોશ થઈ ગઈ હતી. જાણવા મળ્યા અનુસાર લગભગ 50 મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેમિકલ ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કેમિકલ ફેક્ટરી પર પહોંચી હતી. અંકપલ્લે ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે કર્મચારીઓ કેન્ટીનમાં ગયા હતા. તેઓ કામ પર પાછા ફર્યા ત્યાં સુધીમાં કેટલીક મહિલા કર્મચારીઓને ઉલ્ટી થવા લાગી હતી. જેથી 50 જેટલી મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ ઝેરી ગેસની ગંધ આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.