મારૂતિ વાનમાં લાગેલી આગ બુઝાવતા ગેસનો બાટલો ફાટ્યો, પતિ-પત્નીનો આબાદ બચાવ
છોટાઉદેપુરઃ 18 જૂન 2024, ગુજરાતમાં રસ્તે દોડતી ગાડીઓમાં અચાનક આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવે છે. ત્યારે છોટાઉદેપુરમાં પણ એક મારૂતિ વાનમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર પતિ પત્ની સમય સૂચકતા વાપરીને કારની બહાર આવી ગયાં હતાં જેથી તેમનો બચાવ થયો હતો. ગાડીમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. આ દરમિયાન ગેસની બોટલ ફાટતાં આગ વધારે પ્રસરી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે છોટાઉદેપુરમાં સ્ટેટ બેંક પાસે સવારના અરસામાં સિંગલા ગામના મંગુભાઈ મોતીભાઈ રાઠવા તેમની પત્ની મંજુલાબેન સાથે મારૂતિ વાન લઈને છોટાઉદેપુર કામ અર્થે આવ્યાં હતાં. ત્યારે સ્ટેટ બેંક પાસેથી પસાર થતી વખતે ગાડીમાં અચાનક ધુમાડો નીકળતાં પતિ-પત્ની બંને ગાડી સાઈડમાં કરી સમયસૂચકતા વાપરી ગાડીમાંથી ઊતરી ગયાં હતાં. જોતજોતામાં ગાડીમાં આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ગેસનો ખાલી બાટલો ફાટ્યો અને ખૂબ મોટો ધડાકો થયો
આગની જ્વાળાઓ ગાડીમાંથી નીકળતાં રસ્તા પર લોકોની ભીડ જામી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ત્યાં સુધીમાં ગાડી અંદરથી બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર ટીમ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવતી હતી, ત્યારે જ ગાડીમાં મૂકેલો HP કંપનીનો ગેસનો ખાલી બાટલો ફાટ્યો હતો અને એનો ખૂબ મોટો ધડાકો થયો હતો.આ ઘટનામાં ગાડીમાં સવાર દંપતી સમયસૂચકતા વાપરીને ગાડીમાંથી બહાર નીકળી જતાં બન્નેનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચોઃકઠવાડા GIDCમાં કેંગન વોટર રીફીલ બનાવતી કંપનીમાં આગ લાગી, 40થી વધુ લોકોનુ રેસ્ક્યૂ