પાકિસ્તાન ક્રિકેટ: ભારતમાં બેઠાં બેઠાં ગુરુ ગેરી ટીમને કોચિંગ આપી રહ્યા છે!
6 મે, લાહોર: પાકિસ્તાન ક્રિકેટ કશું નવું અને હાસ્યાસ્પદ ન કરે તો જ નવાઈ. હજી તો ICC World Cupના ધબડકા પછી તે સમયના કોચ મિકી આર્થર પરનો રોષ પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ અને મીડિયામાં શમ્યો નથી ત્યાં જ હવે ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCBએ નવું હાસ્યાસ્પદ કૃત્ય કર્યું છે.
એ વર્લ્ડ કપ અગાઉ મિકી આર્થરે ટીમનું કોચિંગ ન કરવાની ઘણી ના પાડી હતી પરંતુ તે સમયે PCBએ તેમના ખૂબ મનામણા કર્યા અને છેવટે આર્થર ટીમને ઓનલાઈન કોચિંગ આપવા તૈયાર થયા હતા. ભારતમાં વર્લ્ડ કપ શરુ થયો ત્યાં સુધીની દરેક સિરીઝમાં આર્થર ઇંગ્લેન્ડમાં બેઠાંબેઠાં ટીમને કોચિંગ આપતા હતા.
આમ થવાથી પાકિસ્તાની ટીમનું વર્લ્ડ કપ પહેલાં, વર્લ્ડ કપ દરમ્યાન અને વર્લ્ડ કપ પછી પણ કશું જ ભલું નહોતું થયું. વર્લ્ડ કપની સેમીફાઈનલ સુધી પણ પાકિસ્તાની ટીમ નહોતી પહોંચી અને આથી મિકી આર્થરને કાઢી મુકવામાં આવ્યા હતા.
થોડા દિવસો અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ફરીથી આંચકો પામ્યું જ્યારે ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાના જેસન ગિલેસ્પી અને વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ગેરી કર્સ્ટનને કોચ બનાવવામાં આવ્યા. પાકિસ્તાની મીડિયા પહેલેથી જ પૂર્વ વિદેશી ખેલાડીઓને ટીમના કોચ બનાવવાની PCBની ઘેલછાની આકરી ટીકા કરી ચુક્યું છે, તેમ છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજા સમાચાર અનુસાર પાકિસ્તાની ટીમની T20 વર્લ્ડ કપની ઓનલાઈન તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ગેરી કર્સ્ટન જે IPLની ગુજરાત ટાઈટન્સ ટીમના બેટિંગ કોચ છે અને હાલમાં ભારતમાં છે તેઓ વિડીયો કોલ દ્વારા પાકિસ્તાની ટીમને કોચિંગ આપી રહ્યા છે.
વિડીયો કોલ દ્વારા કોઇપણ સ્પોર્ટ્સ ટીમને કેવી રીતે કોચિંગ આપી શકાય તે પ્રશ્ન દરેક પાકિસ્તાનીના મનમાં હાલમાં રમી રહ્યો છે. વળી, આ ફેન્સ સામે વર્લ્ડ કપનો તાજો દાખલો સામે જ છે એટલે તેઓ PCBની માનસિકતા સામે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
એવું જાણવામાં આવી રહ્યું છે કે ગુજરાત ટાઈટન્સ જો IPL 2024ના પ્લેઓફ્સમાં ક્વોલીફાય નહીં થાય તો ગેરી કર્સ્ટન પાકિસ્તાન જશે અને ત્યારબાદ જ તેમને સ્થળ ઉપર કોચિંગ આપી શકશે. પરંતુ આ પ્રકારે સમગ્ર ટીમને ઓનલાઈન કોચિંગ આપવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જીદથી એક તરફ પાકિસ્તાનીઓ રોષમાં છે તો બીજી તરફ અન્ય દેશોના ફેન્સ તેમના પર હસી રહ્યા છે.
અમુક ફેન્સ તો આ પ્રમાણે ઓનલાઈન કોચિંગને કોવિડના જમાના સાથે સરખાવી રહ્યા છે તો અમુક એમ પણ કહી રહ્યા છે કે પાકિસ્તાને મેચો પણ ઓનલાઈન જ રમવી જોઈએ.