અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગરવી ગુજરાત ભવન ‘16મી GRIHA સમિટ’માં ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત

  • ગરવી ગુજરાતના ફાળે વધુ એક ગૌરવમય સિદ્ધિ

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહ 5 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે યોજાયો હતો. 4 અને 5 ડિસેમ્બરે આયોજિત 16મી GRIHA સમિટ ‘નિર્મિત પર્યાવરણમાં જળવાયુ કાર્યવાહીને વેગ આપવો’ (એક્સેલરેટિંગ ક્લાઈમેટ એક્શન ઇન ધ બિલ્ટ એન્વાયર્નમેન્ટ) થીમ પર યોજાઇ હતી, જેનો હેતુ સમાજમાં તીવ્ર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે ક્ષમતા અને ટકાઉપણા પ્રોત્સાહન આપીને વધુ સારું ભવિષ્ય બનાવવાનો છે.

ગરવી ગુજરાત ભવનને આ રેટિંગ આપવામાં આવ્યું

TERI (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ) અને ભારત સરકારના નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા શરુ થયેલી GRIHA રેટિંગ સિસ્ટમને ભારત સરકાર દ્વારા 2007માં ગ્રીન બિલ્ડિંગ માટે રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી. નવી દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત “ગરવી ગુજરાત” ભવનની બિલ્ડિંગને ગ્રીન રેટિંગ દ્વારા થ્રી સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે, ગુજરાત સરકારવતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહને GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મુખ્ય અતિથિ અને ભારતના ભૂતપૂર્વ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા આપવામાં આવ્યો હતો.

ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે થયું હતું

ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. આ ભવન ગ્રીન બિલ્ડિંગની તમામ જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), સ્કાયલાઈટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/સ્માર્ટ ગ્લાસ, વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અને સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સુવિધાઓ જેવી પર્યાવરણ-અનુકૂળ બાબતોનો સમાવેશ થાય છે. આશરે 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ગરવી ગુજરાત ભવન તેના ઉદ્ઘાટનના પાંચ વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ભવનને મિનિ-ગુજરાતનું મૉડેલ કહેવામાં આવે છે, જે રાજ્યની સંસ્કૃતિનું સમૃદ્ધ પ્રતિબિંબ રજૂ કરતું પરંપરાગત અને આધુનિક સ્થાપત્યનું મિશ્રણ છે.

દિલ્હી-NCRના આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગરવી ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને આ બિલ્ડિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમને રેસિડેન્ટ કમિશનર, શ્રીમતી આરતી કંવરે કેવી રીતે આ ભવનનું નિર્માણ બે વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થયું હતું અને તમામ ગ્રીન બિલ્ડિંગ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા તે અંગે જણાવ્યું હતું.

આ પણ જૂઓ: “વ્યાપાર મેળો-૨૦૨૪”/ ગુજરાતના કારીગરો માટે ફાયદાનો સોદો, 1.25 કરોડનું વેચાણ કર્યું

Back to top button