દેશનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન છે સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશ
ગણેશ ચતુર્થીના દિવસે આજે અમે તમને દર્શન કરાવીશું ગણપતપુરાના ગણપતિ મંદિરના. અને સાથે જ તેનો ઈતિહાસ પણ જણાવીશું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકાની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે.
જમણી સૂંઢ વાળા ગણપતિ
આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે.
ગણેશ મંદિરનો ઈતિહાસ
આ ગણપતિ મંદિરનો ઈતિહાસ ખુબ જ રોચક છે. ઘણા વર્ષો પહેલા ગણેશજીની મૂર્તિ ખેતરમાં ખોદકામ દરમિયાન મળી આવી હતી. રોચક બાબત એ છે કે આ મૂતિ જયારે મળી ત્યારે ગણેશજીના પગમાં સોનાના કડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડે કંદોરો પહેરેલો હતો. આ તમામ આભુષણ સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે જઈને ઊભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું.