ગાંજા-ચરસ સુધી ઠીક છે, પરંતુ હેરોઈન? મહિલા પર આકરી થઈ SC, જામીન આપવાનો ઇનકાર
- અમે હેરોઈનના કિસ્સામાં આવું ન કરી શકીએ, આ અંગે આપણે કડક વલણ અપનાવવું પડશે: SC
નવી દિલ્હી, 02 ઓગસ્ટ: સુપ્રીમ કોર્ટે હેરોઈન રાખવાની આરોપી મહિલાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, તે NDPS કેસમાં ગાંજા અને ચરસ માટે પણ જામીન આપી શકે છે, પરંતુ હેરોઈન રાખવાના કિસ્સામાં તે આવું બિલકુલ નહીં કરે. કોર્ટે તેની પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, “આ એક એવું વ્યસન છે જે બધું ખતમ કરી નાખે છે. આનાથી યુવા પેઢી સાવ બરબાદ થઈ ગઈ છે.” સુનાવણી દરમિયાન જસ્ટિસ સીટી રવિકુમાર અને સંજય કરોલની ખંડપીઠે કહ્યું કે, “જ્યારે પણ ગાંજા કે ચરસને લગતા કેસ હોય છે ત્યારે અમે જામીનના પક્ષમાં હોઈએ છીએ, પરંતુ અમે હેરોઈનના કિસ્સામાં આવું ન કરી શકીએ. આ અંગે આપણે કડક વલણ અપનાવવું પડશે.”
સમગ્ર કેસ શું છે?
આ કેસ 61 વર્ષીય મહિલા સાથે સંબંધિત છે, જેના પર 500 ગ્રામ હેરોઈન રાખવાનો આરોપ છે. મહિલા એ જ કારમાં મુસાફરી કરી રહી હતી જેમાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ કેસમાં આરોપીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અહીં મહિલા આરોપી વતી હાજર રહેલા વકીલે તેની ઉંમરને ટાંકીને જામીનની માંગણી કરી હતી. આ સાથે તેણે દલીલ કરી હતી કે મહિલા પાસેથી કંઈ મળ્યું નથી.
આ પછી જસ્ટિસ રવિકુમારે વકીલને યાદ અપાવ્યું કે, “મહિલા પર 500 ગ્રામ હેરોઈન રાખવાનો આરોપ છે.” જસ્ટિસ કરોલે વધુમાં કહ્યું હતું કે, “હેરોઈન દરેક વસ્તુનો નાશ કરે છે.” તેમણે કહ્યું કે, “તે યુવા પેઢીને સંપૂર્ણ રીતે બરબાદ કરે છે. અમે આ મામલે કોઈપણ રીતે દખલ કરી શકીએ નહીં.” સુપ્રીમ કોર્ટમાં મહિલા વતી એડવોકેટ શ્રેય કપૂરે દલીલો રજૂ કરી રહ્યા હતા.
આ પણ જૂઓ: પાકિસ્તાન જાઓ, ભારતની ઉદારતાનો ફાયદો ન ઉઠાવો: શરણાર્થી પર ભડકી હાઈકોર્ટ