ગુજરાત ATS એ ફરી ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની અટકાયત કરી, જાણો શું છે સમગ્ર મામલો
કચ્છના કરોડો રૂપિયાના ડ્રગ કેસમાં ફરીએક વાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. તેને 15 દિવસના રિમાન્ડ બાકી હોવાથી ફરી રિમાન્ડ પર લેવામાં આવશે. જેથી ડ્રગ્સ કેસમાં વધુ કનેક્શન બહાર આવવાની શક્યતા છે.
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ હાલ ATSની કસ્ટડીમાં
જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ હાલ ATSની કસ્ટડીમાં છે . લૉરેન્સ બિશ્નોઈની સપ્ટેમ્બર 2022માં ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક પાકિસ્તાની માછીમારોની બોટમાંથી લગભગ 200 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સ મામલે ધરપકડ કરવામા આવી હતી. આ સાથે ATS એ મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. અને તેમની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો અને જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો.ATS એ ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા શખ્સોને ઝડપી પાડ્યા હતા.
લોરેન્સ બિશ્નોઇનું પાકિસ્તાન કનેક્શન
આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેથી ATS દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી. આ કેસમાં લોરેન્સ બિશ્નોઇનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું હતુ. પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ મગાવવાના મામલામાં તેની પૂછપરછમાંવધુ કનેક્શન બહાર આવે અને વધુ ધડાકા થઈ શકે તેવી શક્યતા છે.
આજે લોરેન્સ બીશ્નોઈને નલિયાની કોર્ટમાં ફરી રજૂ કરાશે
ઉલ્લેખનીય છે કે હવે આ કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.આ અગાઉ લોરેન્સ બિશ્નોઈને 25 એપ્રિલ અને 9 મેના રોજ નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં ગુજરાત ATSએ કચ્છની નલીયા કોર્ટ સમક્ષ લોરેન્સને રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેને કોર્ટ મંજૂર કર્યા હતા.ત્યારે આજે લોરેન્સ બીશ્નોઈને નલિયાની કોર્ટમાં ફરી રજૂ કરાશે અને કોર્ટના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ : વિદ્યાર્થીનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક દોષિત જાહેર