અતીક અહેમદને લઈ પોલીસ પહોંચી પ્રયાગરાજ, આવતીકાલે કોર્ટમાં કરાશે રજૂ


ગુજરાતની સાબરમતી જેલથી અંદાજીત 1272 કિલોમીટરની મુસાફરી બાદ માફિયા અતીક હવે પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો છે. માફિયા અતીકને લઈને યુપી પોલીસનો કાફલો લગભગ 24 કલાકે પ્રયાગરાજ પહોંચ્યો. યૂપી પોલીસ કડક સુરક્ષા વચ્ચે ત્રણ રાજ્યો વટાવીને માફિયા અતીકને લાવી છે. અતીકને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈને યુપી લાવવામાં આવ્યો છે. અતીક અહેમદને 16 વર્ષ જૂના અપહરણ કેસમાં ચુકાદા અંગે અન્ય આરોપીઓ સાથે આવતીકાલે પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અતીકને હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવશે
માફિયા અતીકને જેલમાં ️હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવશે અને બેરેક સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. બેરેકની બહાર સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે. અતીકના ભાઈ અશરફને બીજી બેરેકમાં રાખવામાં આવશે, ડીજીપી હેડક્વાર્ટરથી મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ જેલ પ્રશાસન પણ બેરેક પર નજર રાખશે અને અતીક અને અશરફની બેરેક પર 24 કલાક નજર રાખવામાં આવશે. આ સિવાય લાઈવ ફીડ જેલ હેડક્વાર્ટરમાં વીડિયો વોલ પર હશે. ડીજી જેલ દ્વારા આ અંગે જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
ઉમેશ પાલ હત્યા કેસમાં પૂછપરછ કરાશે
ઉમેશ પાલ મર્ડર કેસમાં પણ અતીક પર સકંજો કસવામાં આવી રહ્યો છે. પોલીસ આ હત્યા કેસમાં અતીકની પૂછપરછ કરશે. પ્રયાગરાજ પોલીસે આ અંગે સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને હત્યાના કેસમાં પૂછપરછ માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. પોલીસ અરજીમાં અતીક સામે મહત્વના પુરાવા છે. જણાવી દઈએ કે આ હત્યા કેસમાં અતીકના પરિવારને આરોપી બનાવવામાં આવ્યો છે. યુપી પોલીસે અતીકની પત્ની શાઈસ્તા પરવીન પર ઈનામ પણ રાખ્યું છે અને તે ફરાર છે. તાજેતરમાં જ પોલીસે શાઈસ્તાનો બુરખા વગરનો ફોટો પણ જાહેર કર્યો હતો.