ગણેશ પંડાલો ફેલાવાશે “અંગદાન જીવનદાન” નો સંદેશ – ડોનેટ લાઈફ અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનો નવતર પ્રયોગ
એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે 2 લાખ વ્યક્તિઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, તેની સામે ફક્ત 10 હજાર કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે, 30 હજાર વ્યક્તિઓને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, તેની સામે ફક્ત 2 હજાર લિવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. 50 હજાર વ્યક્તિઓને હૃદયના ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, તેની સામે ફક્ત 250 હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થાય છે. 1 લાખ વ્યક્તિઓને નેત્રોની જરૂર હોય છે, જેની સામે 25 હજાર વ્યક્તિઓને નેત્રો મળી રહે છે. વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં બીજું સ્થાન ધરાવતો આપણો દેશ કેડેવર ઓર્ગન ડોનેશનની પ્રવૃતિમાં ખુબ પાછળ છે. ઓર્ગન ડોનેશનનો રેટ સ્પેનમાં 46 %, યુ.એસ.એ માં 26 %, સ્વીડનમાં15%, યુ.કે માં 13% છે જયારે ભારત આ રેટ 0.8% છે. એટલે કે આપણા દેશમાં 12 લાખ વ્યક્તિએ એક વ્યક્તિનું અંગદાન થાય છે.
આપણા દેશમા અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાના ઘણા કારણો છે તેમાનું એક કારણ છે ધાર્મિક ગેરમાન્યતા. લોકો એવું માને છે કે ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે અંગોનું દાન કરવું પાપ છે, પરંતુ કોઈપણ ધર્મમાં એવું કહેવામાં આવ્યું નથી કે અંગોનું દાન કરવું પાપ છે. પૃથ્વી ઉપર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું કરવામાં આવ્યું હતું.
એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે ત્યારે વધુ ને વધુ લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજી, ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લે અને વધુ ને વધુ વ્યક્તિઓ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને કિડની, લિવર, ફેફસાં અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આગળ આવે તે માટે છેલ્લા 17 વર્ષથી અંગદાન અંગે જનજાગૃતિનું કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થા અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે અંગદાનની પ્રવૃતિનો વધુ પ્રચાર અને પ્રસાર થાય તે માટે દરેક મંડપમાં “અંગદાન જીવનદાન” ના સંદેશા લખેલા બેનર લગાડીને અંગદાન જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવવામાં આવશે.
તદ્દઉપરાંત શહેરમાં જુદા જુદા સ્થળોએ હોડીંગ્સ લગાવીને પણ અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવવામાં આવશે. આ 10 દિવસ દરમ્યાન જુદા જુદા ગણેશ મંડળોમાં આરતી માટે ઓર્ગન ડોનર પરિવારને આમંત્રિત કરી, પોતાના વ્હાલસોયા સ્વજનના અંગોનું દાન કરી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપ્યું છે તે માટે તેઓને સન્માનિત કરવામાં આવશે.
બેનરના વિતરણની વ્યવસ્થા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના ભાગળ ઉપર આવેલ મધ્યસ્થ કાર્યાલયથી કરવામાં આવશે. દરેક મંડળને આ બેનર સમયસર મેળવી પોતાના મંડપમાં લગાવી અંગદાન જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવી માનવતાના આ કાર્યમાં સહકાર આપવા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલા, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી અંબરીશાનંદજી અને પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલા અપીલ કરતા જણાવે છે કે આપણે સૌ સાથે મળીને ગણેશ ઉત્સવ દરમ્યાન “અંગદાન જીવનદાન” નો સંદેશો સમાજમાં ફેલાવીને આપણા દેશમાં દર વર્ષે લાખો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, તેને નવું જીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. ગણેશ મંડપમા લાગેલા “અંગદાન જીવનદાન” ના બેનર ઉપર લખેલ QR CODE સ્કેન કરીને આપ અંગદાનનો સંકલ્પ લઇ શકો છો, લેવડાવી શકો છો, નીચે આપેલ લીંક પર જઈને પણ અંગદાનનો સંકલ્પ કરી શકો છો.
લીંક:- https://www.donatelife.org.in/become-donor