આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ, વાજતે ગાજતે શ્રીજીની શાહી સવારી પંડાલોમાં પહોંચી
આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે. સમગ્ર ભારતમાં ખુબ જ ધામધુમથી 10 દિવસ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. ઠેર ઠેર ગણપતિ બાપાના શાહી સવારી જોવા મળી રહી છે. લોકો બાપાને પોતાના ઘરે મહેમાન બનાવી દશ દિવસ પૂજા અર્ચના કરશે. મોટા ભાગના માર્ગો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી રહ્યા છે. ગણેશ ભક્તોમાં બમણો ઉત્સાહ જોવા મળી મળ્યો છે. પોળ ,ખડકી , શેરીઓ, સોસાયટીઓ, ફ્લેટ અને ટાઉનશિપમાં ગણેશ પંડાલો તૈયાર થઈ ગયા છે. આજે ગણેશ ચતુર્થીના પર્વે ગણેશ પ્રતિમાનોની સત્તાવાર સ્થાપના કરી 10 દિવસ શ્રીજીનું પૂજન અર્ચન કરવામાં આવશે.
વાજતે ગાજતે શ્રીજીની શાહી સવારી પંડાલોમાં પહોંચી
લોકો DJનાં તાલે પ્રતિમાઓ પોતપોતાના મંડળ સુધી લઈ જઈ રહ્યા છે. ડી.જે., લાઇટિંગ અને બેન્ડ સાથે વિવિધરૂપ, રંગ, સ્વરૂપ અને આકારમાં છેલ્લા બે ત્રણ દિવસથી શ્રીજીની સવારીઓનું વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગો જાણે ગણેશમય બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાલમાં ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓની માંગમાં વધારો થયો છે. પ્રકૃતિના જતન સાથે ઉત્સવની ઉજવણી કરવા માટે માટી, કુદરતી રંગ ,અને ઘાંસનો ઉપયોગ કરી પ્રતિમાઓ બનાવવામાં આવી છે જે વિસર્જન બાદ પણ જળાશયોમાં રહેતા જીવોને નુકસાન પહોંચાડશે નહિ.