ગાંધીનગર : UKમાં નોકરી આપવાના બહાને યુવાન સાથે રૂ.39 લાખની છેતરપિંડી

- સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
- યુકેમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા લીધા
- જયદીપસિંહને યુકેના વિઝા મળ્યા અને તેઓ યુકે પહોંચ્યા હતાં
ગાંધીનગરના સેક્ટર 11માં આવેલી સનલુમિયા ઓવરસીઝના એજન્ટ દ્વારા પેથાપુરના યુવાનને કેનેડાના વિઝા અને ત્યારબાદ યુકેમાં નોકરી અપાવવાના બહાને કુલ 39 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર 7 પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
વિદેશમાં મોકલવાની લાલચ આપીને હાલ એજન્ટો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક પેથાપુરમાં આવેલી માધવ વિહાર સોસાયટીમાં રહેતા જયદીપસિંહ વિક્રમસિંહ વાઘેલા આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમણે સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં તેમને કેનેડા જવાનું હોવાથી મૂળ લોદરા ગામના અને સેક્ટર 11માં સુમન ટાવર ખાતે સનલુમિયા ઓવરસીઝ ચલાવતા જૈમીન રમણભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને કેનેડા માટે સાત લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ તેનું કામ થયું ન હતું. જોકે ત્યારબાદ આ જૈમીને કેનેડા જવા માટે તારે ઘણો સમય થશે તેના કરતાં યુકે જઈ આવ તેમ કહ્યું હતું અને તે પેટે નોકરી અને વિઝા મળીને 32 લાખ રૂપિયામાં કામ કરવાની વાત કરી હતી.
જયદીપસિંહને યુકેના વિઝા મળ્યા અને તેઓ યુકે પહોંચ્યા હતાં
જેથી જયદીપસિંહને યુકેના વિઝા મળ્યા અને તેઓ યુકે પહોંચ્યા હતાં પરંતુ યુકેમાં પહોંચ્યા બાદ જયદીપસિંહને મોટો આંચકો લાગ્યો હતો કેમ કે એજન્ટે જે સ્થળે નોકરી હોવાનું જણાવ્યું હતું, ત્યાં માત્ર એક ચર્ચ હતું. સી.ઓ.એસ.માં દર્શાવેલા સ્થળે પણ કોઈ નોકરી ઉપલબ્ધ ન હતી. જ્યારે એજન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેણે જાતે નોકરી શોધી લેવાનું કહી હાથ ઊંચા કરી દીધા. ગેરકાયદેસર રીતે યુકેમાં રહેવાના ડરથી જયદીપસિંહે યુકે વિઝા અને ઇમિગ્રેશન વિભાગને મેઇલ કરી જાણ કરી અને ભારત પરત ફર્યા હતા. વધુમાં, એજન્ટે કેનેડા અને યુકે વિઝાની ફાઇલ માટે બનાવેલા યુઝર-આઈડી પણ જયદીપસિંહને આપ્યું નથી. આ મામલે હાલ સેક્ટર-7 પોલીસે 39 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ: ગુજરાતના બે દિગ્ગજ નેતાઓની બાદબાકી