ગાંધીનગર : મુખ્યમંત્રીએ રવિવારે અચાનક શા માટે કેબિનેટની બેઠક બોલાવી? તર્ક-વિતર્કોએ જોર પકડ્યું
ગાંધીનગર, 5 ઓક્ટોબર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવતીકાલે એટલે કે રવિવારે અચાનક જ કેબિનેટ બેઠક બોલાવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં એક તરફ નવરાત્રીનાં તહેવારોની ઉજવણી શરૂ થઈ છે અને દિપાવલી સહિતના તહેવારોનો માહોલ પણ બનવા લાગ્યો છે તે સમયે જ એક અચાનક જ સર્જાયેલી રાજકીય ગરમીમાં ચર્ચા-અટકળોનું વાતાવરણ બન્યુ છે. હજુ બુધવારે જ રાજય કેબિનેટની બેઠક મળી હતી અને સામાન્ય રીતે દર સપ્તાહે આ પ્રકારે બુધવારે જ બેઠક મળે છે પણ રવિવારે બપોરે 4-30 કલાકે કેબિનેટ બેઠક બોલાવવાનું કંઈક અસામાન્ય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજયના એક સિનિયર મંત્રીએ આવતીકાલે ગાંધીનગર ખાતે સાંજે 4.30 કલાકે કેબિનેટ બેઠક મળનારી હોવાના અહેવાલને સમર્થન આપતા કહ્યું હતું કે અમોને સંદેશ મોકલી અપાયો છે અને સાંજે બેઠક હોવાથી સવારે જ ગાંધીનગર પહોંચી જવાની પણ સુચના છે. આમ કેબીનેટ બેઠક મળી હોવાની વાતને તેઓએ સમર્થન આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, રાજયની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે હાલમાં જ 17 સપ્ટેમ્બરે ત્રણ વર્ષ પુરા કર્યા છે. તેમના આ કાર્યકાળમાં પ્રથમ વખત આ રીતે રવિવારે રાજય કેબિનેટની બેઠક મળી રહી છે.
મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જ હતા અને તેવા મુખ્યમંત્રી સામે અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હતા તો અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની મુલાકાતમાં રાજભવનમાં ખાસ્સો સમય રોકાયા હતા. આમ રાષ્ટ્રીય નેતાઓના પ્રયાસને પણ રસપ્રદ રીતે જોવાઈ રહ્યા છે. થોડા સમય પૂર્વે મુખ્યમંત્રી વિદેશ જઈ રહ્યા હોવાની ચર્ચા હતી. હવે કાલની કેબિનેટ બેઠક પર સૌની નજર છે.
બીજી એક ચર્ચા કેબિનેટ વિસ્તરણની છે જે લાંબા સમયથી તોળાઈ રહી છે. ગુજરાતમાં 2022 ની ધારાસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળ્યા બાદ પણ મંત્રીમંડળ મર્યાદિત રખાયુ હતું. તો બીજી તરફ કોંગ્રેસનાં પ્રદેશ ધારાસભ્યોએ પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયા અને તેમાં કમળના નિશાન પર ફરી ચુંટણી લડીને જીત મેળવતા હવે વિધાનસભામાં ભાજપનાં સભ્યોની સંખ્યા 161 થઈ છે. એવી ચર્ચા હતી કે, અર્જુનભાઈ મોઢવાડીયા અને સી.જે.ચાવડાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સ્થાન અપાશે.
આ પણ વાંચો :- મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન માટે નેશનલ હાઈવે ઉપર બનતા પુલનો વીડિયો વાયરલ, જૂઓ કેમ બને છે