ગાંધીનગર : રાજ્ય સરકાર 823 વનરક્ષકની કરશે ભરતી


રાજ્ય સરકાર દ્વારા વનરક્ષકની સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે મંગળવારે કેબિનેટ મંત્રી અને રાજયકક્ષાના મંત્રીએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી આ અંગેની માહિતી આપી હતી. સરકાર આ પદ ઉપર 823 જગ્યાઓ માટેની જાહેરાત ટૂંક સમયમાં જ બહાર પાડશે અને તેની સીધી ભરતી માટેની પ્રક્રિયા પણ વહેલીતકે પૂર્ણ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
ક્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ?
રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ)ની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે.
અગાઉની ખાલી પડેલી જગ્યાનો પણ કરાયો ઉમેરો
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વનરક્ષકની કુલ 334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી ખાલી પડેલી બીટગાર્ડ વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ ૩૩૪ જગ્યાઓમાંથી સફળ ઉમેદવારોની સંખ્યા 283 હતી. એટલે કે તે ભરતીમાં 48 જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ 48 એમ મળી કુલ 823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે
આ પણ વાંચો : રાજકોટ : પીએમના કાર્યક્રમ સંદર્ભે રસ્તાઓ અને પાર્કિંગ અંગે બહાર પડાયું જાહેરનામું