ગાંધીનગર: ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ કરતાં પોલીસે કરી અટકાયત
- ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાય યોજનાનો ભારે વિરોધ.
- ટેટ અને ટાટ ઉમેદવારોનું કહેેવું કે અમારા ભવિષ્ય સામે ખતરો, આ સાથે કાયમી ભરતીની માંગ.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં આજે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો પોતાના ભવિષ્ય માટે ગાંધીનગરમાં મેદાને ઉતર્યા હતા. ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો નું કહેવું છે કે જો સરકારની જ્ઞાન સહાય યોજના અમલમાં આવેતો તેમના ભવિષ્ય સામે ખતરો ઉભો થઈ શકે છે, તેમજ જો સરકાર કાયમી ભરતી અત્યારે નહીં કરે તો પછી પણ પુરતા પ્રમાણમાં ભરતી નહી જ કરે અને જ્ઞાન સહાય યોજના જ ચલાવ્યા રાખસે. જેને લઈ ને ગાંધીનગરમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારની જ્ઞાન સહાય યોજનાથી નારાજ ટેટ અને ટાટના ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં ધરણાં યોજ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા દરેકની અટકાયત કરવામાં આવી છે.
જ્ઞાન સહાયક ભરતીનો ગાંધીનગરમાં ભારે વિરોધ
ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. જોકે 2023માં સરકારે ભરતીની જાહેરાત તો કરી પરંતુ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં આજે અનેક વિસ્તારોમાંથી આવેલા યુવાનો દ્વારા ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
ઉમેદવારોની અટકાયત
ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. પોલીસ દ્વારા પ્રદર્શનકારી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને CR પાટીલની મોટી જાહેરાત, ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી