ગુજરાત: 27 ટકા OBCનું નોટિફિકેશન પ્રસિદ્ધ, ઓક્ટોબરમાં પાલિકા-પંચાયતની ચૂંટણી!
- સુપ્રીમના ચૂકાદાનો દોઢ દાયકા પછી અમલ થયો છે
- સંભવતઃ ઓક્ટોબર કે નવેમ્બરમાં ચૂંટણી યોજાશે
- વાપીને મહાનગરપાલિકા બનાવાશે
ગુજરાતમાં 27 ટકા OBCનું નોટિફિકેશન પ્રસિદ્ધ થયુ છે. જેમાં ઓક્ટોબરમાં પાલિકા-પંચાયતની ચૂંટણી થશે. સુપ્રીમના ચૂકાદાનો દોઢ દાયકા પછી અમલ થયો છે. તેમાં પ્રથમ વખત 10 ટકાને બદલે 27 ટકા બેઠકો હશે. જુલાઈના અંતે જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થશે. તેમજ વાપીને મહાનગરપાલિકા બનાવાશે. તથા બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત, 17 તા.પં. અને 4,127 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘો મહેરબાન, સુરતના બારડોલી, પલસાણા અને મહુવામાં 5 ઈંચ વરસાદ
સંભવતઃ ઓક્ટોબર કે નવેમ્બરમાં ચૂંટણી યોજાશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને પંચાયત વિભાગે રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ જનપ્રતિનિધીઓમાં અન્ય પછાત વર્ગો-OBC માટે 27 ટકા બેઠકો અનામત ઠેરવવા માટે નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યુ છે. આ જાહેરાતની સાથે જ ગુજરાતમાં છેલ્લા બે-અઢી વર્ષથી સ્થગિત પાલિકાઓ અને પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. સંભવતઃ ઓક્ટોબર કે નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. આ માટે બંને વિભાગો અને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ આરંભી છે. જેના કારણે રાજકારણીઓમાં ગરમાવો આવ્યો છે.
કુલ 84 બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાશે
વર્ષ 2010માં સુપ્રિમ કોર્ટે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે 27 ટકા બેઠકો અનામત રાખવાનો આદેશ કર્યો હતો. દોઢ દાયકામાં લાંબા વિવાદ અને ન્યાયિક સંઘર્ષને અંતે રાજ્ય સરકારે રિટાયર્ડ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષપદે કમિશન રચી તાગ મેળવ્યો હતો. ગતવર્ષે ઓગસ્ટમાં આ કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને સરકારે રાજ્યની તમામ પાલિકા- પંચાયતોમાં 10ને બદલે 27 ટકા OBC અનામતનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે હવે નોટિફિકેશન પ્રસિધ્ધ થયુ છે. એથી બે- અઢી વર્ષથી જે પાલિકા અને પંચાયતમાં ચૂંટણીઓ યોજાઈ નથી અને જનપ્રતિનિધીઓને બદલે માત્ર અધિકારીઓથી વહિવટનું સંચાલન થઈ રહ્યુ છે ત્યાં આવનારા ત્રણેક મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક ખાલી છે. તે સિવાય અન્ય મહાનગરમાં બે અને 39 પાલિકાઓની એમ કુલ મળીને શહેરી સંસ્થાઓમાં ખાલી પડેલી 42 તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની 42 એમ કુલ 84 બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાશે.