ગુજરાતનું ગૌરવઃ ગાંધીનગરની NFSU સેનાના અધિકારીઓને આપશે તાલીમ
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આર્મી ચીફ એમ.એમ નરવણે અને વાઇસ ચાન્સેલર ડો. જે. એમ.વ્યાસની મુલાકાત થઈ. ધ ચીફ ઓફ આર્મી સ્ટાફ(COAS), જનરલ એમ.એમ. નરવણે, PVSM, AVSM, SM, VSM, ADC એ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરની આજે મુલાકાત લીધી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર (NFSU)ના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે આર્મી ચીફનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓને આ અનોખી અને અત્યંત વિશિષ્ટ ફોરેન્સિક યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન સહિતની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા.
ડૉ. વ્યાસે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીના પ્રારંભથી આર્મી ઓફિસરો વિવિધ અભ્યાસક્રમોમાં જોડાયેલા રહ્યા છે. આર્મી ચીફની આ સૌપ્રથમ મુલાકાતથી સંરક્ષણ દળોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક, સંશોધન, તાલીમ, કન્સલ્ટન્સી અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ અંગે પણ મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આગામી સમયમાં આર્મી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે અને સૈન્ય અધિકારીઓને તાલીમ પણ આપશે.સરહદ પર ડ્રોન હુમલા માટે સેનાના અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.
જનરલ નરવણેએ સાયબર ડિફેન્સ સેન્ટર (CDC); બેલિસ્ટિક્સ રીસર્ચ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર(BRTC); સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (CoE NDPS), સેન્ટર ફોર ફ્યુચરિસ્ટિક ડિફેન્સ સ્ટડીઝ (CFDS), સાયકોલોજી લેબ સહિત વિવિધ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓથી યુક્ત સેન્ટરની મુલાકાત લીધી હતી. અત્યંત ટૂંકા ગાળામાં હાથ ધરવામાં આવેલી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એવી NFSUની વિશિષ્ટ સુવિધાઓ, વિકસિત ઉચ્ચતમ તકનીકો અને નવીન પ્રોજેક્ટ્સથી આર્મી ચીફ પ્રભાવિત થયા હતા. NFSUની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેક્નોલોજીના ઉપયોગ સહિત પરસ્પર સહયોગના વિવિધ મુદ્દે સમજૂતી કરાર (MoU) કરવાનો નિર્ણય લેવાયો છે.આર્મી ચીફની સાથે શિમલા સ્થિત આર્મી ટ્રેનિંગ કમાન્ડના આર્મી કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ એસ.એસ. મહલ, AVSM, VSM અને તેમની વરિષ્ઠ અધિકારીઓની ટીમ આ મુલાકાત દરમિયાન સાથે હતી. આ પ્રસંગે પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU; શ્રી સી.ડી.જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU; એરકોમોડોર કેદાર ઠાકર, ડીન, સ્કૂલ ઓફ પોલીસ સાયન્સિસ, સિક્યોરિટી સ્ટડીઝ સહિત વિવિધ સ્કૂલ્સના ડીન્સ, અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા.