ગાંધીનગર : “ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન” અંતર્ગત મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખાદીની ખરીદી કરી
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા “ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન” મૂવમેન્ટને વેગ આપવા આજે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પાટનગર યોજના ભવન, સેક્ટર ૧૬, ગાંધીનગર ખાતેથી ખાદીની ખરીદી કરી હતી અને લોકોને પણ ખાદીની ખરીદી કરવા માટે આહવાન કર્યું હતું.
તત્કાલીન સીએમ મોદીએ શરૂ કર્યું હતું ખાદી ખરીદી અભિયાન
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેના થકી જ આત્મગૌરવ અને સ્વદેશી ચળવળની શરૂઆત થઇ હતી. લોકલ ફોર વોકલની પ્રેરણા આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદીના પ્રચાર માટે તેઓ સ્વયં ખાદીની ખરીદી કરતી નવીન પહેલ હાથ ધરી હતી જેના પરિણામે આજની યુવા પેઢીએ ખાદીને સહજ રીતે સ્વીકારી છે. ખાદીને ‘લોકલથી ગ્લોબલ’ માર્કેટ આપવાની દિશામાં દેશ આગળ વધ્યો છે ત્યારે જે સુતરના તાંતણાએ ગુલામીની જંજીરો તોડી એ જ ખાદીનો તાર વિકસિત-આત્મનિર્ભર ભારત નિર્માણનો પ્રેરણાસ્ત્રોત બનશે.
આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા આગળ વધે
વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ નાગરિકોને રોજગારી મળી રહે તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી શિક્ષણ મંત્રી વાઘાણીએ રાજ્યના યુવાઓ તથા સૌ નાગરિકોને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણા સહિતના પદાધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પીએમ મોદીની કેન્દ્રીય મંત્રીઓ અને સચિવો સાથે બેઠક, કર્યા આ આદેશ