ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરનો લઠ્ઠાકાંડઃ ગેનીબેને કહ્યું, બુટલેગરો બેફામ બન્યા, આ ઉડતા ગુજરાત છેઃ અમિત ચાવડા

ગાંધીનગર, 15 જાન્યુઆરી 2024, જિલ્લાના દહેગામના લિહોડા ગામમાં ગઈકાલે મોડી રાતે દેશી દારૂ પીવાના કારણે બે લોકોનાં મોત થયાં છે, જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. લઠ્ઠાકાંડ થયો હોય એવી આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને લઈને જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ મોતને લઠ્ઠાકાંડ ગણાવી સરકાર પર હપતાખોરી કરવાના આક્ષેપ સાથે આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. આ અંગે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એફએસએલ રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. જેથી લઠ્ઠાકાંડ નથી. ગત રાત્રે જ તકેદારીના ભાગરૂપે દારૂ પીધેલા લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં અમે કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે.આગળ વધુ તપાસ દરમિયાન જરૂર લાગશે તો કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે.

પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઇ અંશ મળ્યો નથી
ગૃહમંત્રી રાજ્ય હર્ષ સંઘવીએ પણ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે, સમગ્ર ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઇ અંશ મળ્યો નથી. કડક તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે હું રાજનીતિ કરવા માંગતો નથી. આ સામાજિક દુષણ સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક પગલાના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસ, બૂટલેગરો અને દારૂડિયા બેફામ બન્યાઃ ગેનીબેન
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર અને પોલીસ પર હપતાખોરીના આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દેશના ગૃહમંત્રીના હોમટાઉનમાં જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના અન્ય જિલ્લામાં કેવી હાલત હશે? ગુજરાતની રાજધાની ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને આઠ લોકો સારવાર હેઠળ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ, બૂટલેગરો અને દારૂડિયા બેફામ બન્યા છે. માત્ર ભાષણ કરવાથી અને કાગળ પર કાર્યવાહી કરવાથી આનું કામ નહીં પતે પણ કડક અમલીકરણ થાય એવી કાર્યવાહી રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસવડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવું ન બને એના માટે ગંભીર બને. હવે સરકાર દારૂબંધી માટે ગંભીર પગલાં લે એવી હું આશા રાખું છું.

આ ઉડતા ગુજરાત છેઃ અમિત ચાવડા
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપતાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થઇ રહ્યા છે, લોકોના જીવ જઇ રહ્યા છે. આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ હપતાખોરીના કારણે થઈ રહેલી હત્યાઓ છે. પહેલાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, જેમાં 45 કરતાં વધારે લોકોનાં મોત થયાં, નડિયાદમાં સિરપરૂપે લઠ્ઠાકાંડ થયો, જેમાં પાંચથી વધુ લોકોનાં મોત થયાં, જ્યારે આજે દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, જેમાં બે લોકોનાં મોત થયાં છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી હપતાખોરીના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઊડતા ગુજરાત બનવાની હરોળમાં હોય અને એનું શ્રેય આ સરકાર લઇ રહી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા, દારુ પીવાથી 2ના મોત

Back to top button