ગાંધીનગર : રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વિદેશથી આવેલા વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, તંત્ર થયું એલર્ટ
રાજ્યમાં ધીમે ધીમે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વિદેશીથી આવી રહેલાં લોકો પણ તંત્રની મુશ્કેલી વધારી રહ્યા છે. ગાંધીનગરમાં દહેગામ તાલુકાના લવાડ ગામ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વિદેશી ડેલિગેશનનો વધુ એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
આ પણ વાંચો : માતા હીરાબાની તબિયત સ્વસ્થ, હજુ 24 કલાક રખાશે ઓબ્ઝર્વેશનમાં
થોડા દિવસ અગાઉ કંબોડિયા દેશના 18 વિદ્યાર્થીઓ 25 ડિસેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા બાદ તેઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રોકાયા હતા. જેમાં સૌથી પહેલાં એક વિદ્યાર્થીનીને ગળામાં તકલીફ જણાતાં કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યા બાદ આજ ગ્રુપમાંથી વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે.
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં આવેલ ડેલિગેશનના બે વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ કેમ્પસમાં તેમના સંપર્કમાં આવેલ પ્રોફેસર સહિતના 18 વ્યક્તિઓના આજે સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ બધા જ વિદ્યાર્થીઓને ઇન્ફોસિટી ખાતે આવેલ હોટલમાં રાખવામાં આવેલ છે.
જ્યારે રાજ્યમાં કોરોના કેસની સંખ્યાની વાત કરવામાં આવે તો નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. 28 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 41 પર પહોંચી છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 06 કેસમાં અમદાવાદમાં 02, ગાંધીનગર 01,ખેડા 01, કચ્છમાં 01, વડોદરામાં 01 કેસ નોંધાયો છે.
આ પણ વાંચો : ભાવનગરમાં ચીનથી આવેલ આખો પરિવાર કોરોનાની ઝપેટમાં !