હિંમતનગર-ખંભાતમાં થયેલાં હુમલા મુદ્દે આરોપીઓ સામે કડક પગલાં લોઃCM
ગાંધીનગરઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની સમીક્ષા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરીઃ ગૃહ રાજ્યમંત્રી
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખંભાતમાં અને હિંમતનગરમાં અસામાજિક તત્વો દ્વારા રાજ્યની શાંતિ, સલામતી અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલાં ભરવાની કાર્યવાહી કરી દીધી છે. હાલ આ ઘટનામાં ખંભાતમાં 9 વ્યક્તિઓ અને હિંમતનગરમાં 22 વ્યક્તિઓ મળી કુલ 31 વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે.’
રાજ્યમાં સૌહાર્દ જાળવવા સરકાર પ્રતિબદ્ધઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને જણાવ્યું કે, ‘ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસિત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરે. રાજ્યમાં શાંતિ, સલામતી અને સામાજિક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમાં અવરોધરૂપ થનારા તત્વોને કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં.’
બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું હતું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા અને વરીષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.