ગાંધીનગરઃ આજે વહેલી સવારે ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ લાગી હતી. આ બ્લોકમાં બીજા માળે આવેલી વિકાસ કમિશ્નરની કચેરીમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 3 ગાડીઓની મદદ લેવામાં આવી છે. જોકે આ આગ કયા કારણસર લાગી તેનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આગના સમાચાર બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યા
ગાંધીનગર ફાયર કંટ્રોલ કચેરી રોડની અન્ય બાજુમાં હોવાથી ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને પ્રસરી રહેલ આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા હતા. આ આગ લાગી એ જગ્યા વિકાસ કમિશ્નર કચેરી આવેલી છે. જે આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગતાં જોઈ અવર જવર કરનાર લોકોનું ટોળું જૂના સચિવાલય એકત્રિત થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ આગ નજરે જોનારા મુજબ સૌ પ્રથમ બારીમાં ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ધુમાડા ગયા અને આગ પ્રસરી હતી.
જાનહાની ટળી, પણ સરકારી કાગળ બળી ગયા
આ આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી કચેરી ખાલી હતી જેને લઇને જાનહાનિ ટળી હતી. જોકે, કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.