ગાંધીનગર: પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારમાં ડીજે અને લાઉડ સ્પિકર ઉપર પ્રતિબંધ


- ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું
- જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
- ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કેન્દ્રો કે દુકાનો બંધ રાખવા પણ ફરમાન
ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૦, ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાનારી છે ત્યારે આ દિવસો દરમ્યાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરીને જાહેરમાં વગાડવામાં આવતા ડીજે સિસ્ટમ, માઇક, લાઉડ સ્પીકર સહિતની બાબતો ઉપર પ્રતિબંધો મુક્યા છે.
ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું
ઉપરાંત ઝેરોક્ષ મશીનો પણ સ્કૂલ કે પરીક્ષા સ્થળની નજીકના વિસ્તારમાં ચાલુ ન હોય તે માટે પણ જાહેરનામું બહાર પડાયું છે. ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મેહુલ દવેએ જાહેરનામું બહાર પાડીને પરીક્ષા સ્થળ તથા તેની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. જાહેરનામા પ્રમાણે, પરીક્ષા સ્થળની આસપાસમાં માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. ડીજે સીસ્ટમ અંગે સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદા, તેમજ આ અંગેના કાયદાઓનું પાલન કરવાનું રહેશે.
૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કેન્દ્રો કે દુકાનો બંધ રાખવા પણ ફરમાન
વરઘોડો, રેલી કે ધાર્મિક-સામાજિક-રાજકીય શોભાયાત્રામાં કોઇ શરતોનો ભંગ થાય કે અઇચ્છનિય ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી પરવાનગી લેનારની રહેશે. ધાર્મિક સ્થળોએ માઇક સિસ્ટમ, વાજિંત્રનો ઉપયોગ સંકુલની હદ બહાર ન જાય એ રીતે મર્યાદિત હોવો જોઇએ. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કેન્દ્રો કે દુકાનો બંધ રાખવા પણ ફરમાન કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
પરીક્ષા કેન્દ્રોમાં કોઇ પણ પ્રકારના હથિયાર લઇને જઇ શકાશે નહીં, પરીક્ષા સ્થળે ચોરી કરવાના હેતુથી કાપલી, નકલ કે ઝેરોક્ષ લઇ જવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રો પાસે ચારથી વધુ વ્યક્તિઓને ભાગ થવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે. જાહેર વાહન વ્યવહાર અવરોધ થાય તે રીતે વાહન પાર્ક કરવું નહીં કે હંકારવું નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા