Gandhinagar : CRPF સબ-ઇન્સ્પેક્ટરે AK-47 રાઇફલથી કરી આત્મહત્યા, એક વર્ષ પછી થવાના હતા નિવૃત્ત
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક સબ-ઇન્સ્પેક્ટરે AK-47 રાઇફલથી પોતાને ગોળી મારી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામ પાસે CRPF પરિસરમાં બની હતી. મૃતક સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ રાઠોડ (59 વર્ષ) પરિસરમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ એસ અંસારીએ જણાવ્યું કે તેમણે બપોરે બેરેકમાં પોતાના જડબા પાસે ગોળી મારી દીધી હતી. અમદાવાદના દસક્રોઈ તાલુકાના વતની રાઠોડ એક વર્ષ પછી જ નિવૃત્ત થવાના હતા.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, સંમતિ પત્ર ભર્યું નહિ હોય તો પરીક્ષા આપી શકાશે નહિ
પોલીસે જણાવ્યું કે, ટુ-સ્ટાર સબ-ઇન્સ્પેક્ટર રાઠોડ CRPF પરિસરમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. અજ્ઞાત કારણોસર, તેમણે ફરજની લાઇનમાં તેમની AK-47 રાઇફલનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી. તેમણે તેમની સર્વિસ રાઈફલ તેમના જડબા નીચે રાખી અને ટ્રિગર દબાવી દીધું હતું. અમને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. રાઠોડના પરિવારને તેમની આત્મહત્યા પાછળના કારણ વિશે કોઈ માહિતી નથી, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આ ઘટના માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.