- બે વર્ષમાં પંચાયતમાં વધુ 10 હજારની નિમણૂક થશે
- નાણામંત્રી કનુભાઈ દેસાઇના હસ્તે કાર્યક્રમ યોજાયો
- વિકાસ કમિશનર સંદીપ કુમાર પણ હાજર રહ્યા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી પ્રક્રિયાથી પસંદ થયેલા 1760 જેટલા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર્સને નિમણૂક પત્રો આપવાનો કાર્યક્રમ બુધવારે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાર પાડવામાં આવ્યો હતો. નાણામંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં 15 હજાર કર્મચારીઓની નવી ભરતી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, જેના ભાગરૂપે તબક્કાવાર ભરતીઓ થઈ રહી છે અને આવી રીતે દરેક સરકારી વિભાગમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાનો સરકારનો નિર્ધાર છે.
શું કહ્યું આરોગ્યમંત્રીએ ?
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારમાં જોડાઇ રહેલા આ મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર્સ ગામડામાં વસતા લોકો સુધી સરકારી આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડવામાં મુખ્ય વાહક બનશે, આ નવા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને સરકારનો નિર્ધાર પરિપૂર્ણ કરશે.
વધુ 10 હજાર ભરતી કરવાની જાહેરાત
પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં વધુ 10 હજાર ભરતી કરાશે. એમણે 1,760ની ભરતી પારદર્શક રીતે કરાઈ હોવાનો દાવો કર્યા હતો. કાર્યક્રમમાં પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય વિભાગના એસીએસ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શાહમીના હુસેન, વિકાસ કમિશનર સંદીપ કુમાર પણ હાજર રહ્યા હતા.